પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓએ શ્રીલંકન યુવકની જાહેરમાં હત્યા કરી મૃતદેહ સળગાવ્યો

237

– ફેકટરીનો મેનેજર ઇસ્લામિક કટ્ટરવાદીઓની અડફેટે ચડયો
– હત્યા કરી મૃતદેહ સળગાવ્યો,ટોળું હત્યાનો આનંદ લઇ રહ્યું હોય તેમ મોબાઇલમાં વીડિયો બનાવતું રહ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિયાલકોટમાં ઇસ્લામનું અપમાન કરવાના આરોપો લગાવી કટ્ટરવાદીઓના ટોળાએ એક શ્રીલંકાઇ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરી દીધી હતી.એટલુ જ નહીં આ ધર્મ જનૂની ટોળાએ ખુલ્લેઆમ શ્રીલંકાઇ વ્યક્તિના મૃતદેહને આગ લગાવી દીધી હતી.

ઘટના બાદ વધી રહેલી તંગદીલીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દીધી હતી.આ ઘટના સિયાલકોટના બજીરાબાદ રોડ પર બની હતી,માર્યો ગયેલો શ્રીલંકન વ્યક્તિ પ્રિયંતા કુમારા સિયાલકોટમાં એક ફેકટરીમાં એક્સપોર્ટ મેનેજર હતો.

કારખાનાના શ્રમિકોએ જ તેમના પર હુમલો કર્યો હતો. પ્રિયંતાની હત્યા કરીને તેમનો મૃતદેહ સળગાવી દીધો હતો. સિયાલકોટના જિલ્લા પોલીસ અધિકારી ઉમર સઇદ મલિકે કહ્યું હતું કે સમગ્ર મામલાની તપાસ થઇ રહી છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમા ફેક્ટરીની બહાર અનેક લોકો નારેબાજી કરી રહ્યા છે. એક વીડિયોમાં સળગતા મૃતદેહનો લોકો વીડિયો બનાવતા જોવા મળી રહ્યા છે.

પોલીસે હત્યાના સંભવિત કારણો વિશે કોઇ જાણકારી નથી આપી.સિયાલકોટ પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે અમે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.પાક.ના પંજાબના સીએમએ પણ તપાસના આદેશ આપ્યા હતા.જોકે હત્યાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું પણ એવા અહેવાલો છે કે ઇસ્લામનું અપમાન કર્યું હોવાનો આરોપ મેનેજર પર લગાવવામાં આવ્યો હતો જેને કારણે તેમની હત્યા ટોળાએ કરી દીધી હતી.

Share Now