મુંબઈ : મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો સામે કેન્દ્રીય તપાસ સંસ્થાઓની વણથંભી તપાસ શરૃ છે.આ તપાસમાં વધુ એક પ્રધાનનું નામ ઉમેરાયું છે.ઉર્જા રાજ્ય પ્રધાન પ્રાજક્ત તનપુરેની આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ લગભગ ૭ કલાક સુધી પૂછપરછ કરી હતી.
આજે રાજ્યના ભૂતપૂર્વે સચિવ અને મુખ્યપ્રધાનના પ્રધાન સલાહકાર સીતારામ કુંટે માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર થયેલ પોલીસ અધિકારીઓની બદલી-બઢતી બાબતની ગેરરીતિના પ્રકરણમાં પૂછપરછ માટે હાજર રહ્યા હતા.જોકે આજે અન્ય એક રાજ્ય પ્રદાન તનપુરે પણ ઈડીની ઓફિસમાં પૂછપરછ માટે હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.તનપુરેની પૂછપરછ પાછળ રાજ્ય સહકારી બેન્કે અમુક સાકર કારખાનાનું કરેલ વેચાણ હોવાનું જાણવા મળ્યું છે.આ બેન્કે લિલામમાં કાઢેલું કારખાનું તનપુરેએ ઓછી કિંમતમાં લીધું હોવાની સંકા ઈડીને છે.તેથી આ રકમ તનપુરેએ કઈ રીતે ઊભી કરી તેની તપાસ ઈડી ચલાવી રહી છે.
પ્રાજક્ત તનપુરે ૨૦૧૯માં પહેલીવાર વિધાનસભ્ય બન્યા અને તરત જ તેમને મહાવિકાસ આઘાડી સરકારમાં પ્રધાનપદ પણ મળી ગયું હતું.તનપુરે રાહુરી મતદાર સંઘમાંથી ભાજપના વિધાનસભ્ય શિવાજીરાવ કર્ડિલેને હરાવી વિધાનસભ્ય બન્યા હતા. તનપુરે એનસીપીના પ્રદેશાધ્યક્ષ જંયત પાટિલના નિકટના સંબંધી પણ છે.તેમને ઉર્જાની સાથે જ ઉચ્ચ શિક્ષણ ખાતાનું રાજ્ય પ્રધાનપદ આપવામાં આવ્યું છે.