રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એક દુઃસ્વપ્ન સમાન બની રહેશે તેવા એંધાણ છે. એકબાજુ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યો રાજીનામા આપીને પાણીમાં બેસી ગયા, જે બાદ કોંગ્રેસને એનસીપી અને બીટીપી પાસે ઉમ્મીદ હતી. તો હવે એનસીપી પાસે ઉમ્મીદ હતી. પણ એનસીપીની ઉમ્મીદ ઉપર પણ પાણી ફરી ગયું છે. કેમ કે, એનસીપીના ઉમેદવાર કાંધલ જાડેજાએ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.
પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ગૃહરાજ્યમંત્રી જાડેજા સાથે મુલાકાત બાદ કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. અને જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપીશ. આ ઉપરાંત કાંધલ જાડેજા કહ્યું કે, પ્રજાલક્ષી કામની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનસીપીના શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. તેમ છતાં કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપવાનું કહેતાં એનસીપીમાં પણ અંદરની લડાઈ સામે આવી ચૂકી છે.
આ અગાઉ કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપતાં હવે કોંગ્રેસનું ગણિત બદલાઈ જશે. કેમ કે, પાંચ ધારાસભ્યોનાં રાજીનામા બાદ કોંગ્રેસને એનસીપી અને બીટીપીના એક ઉમેદવાર પાસેથી વોટની આશા હતી. અને આ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા એનસીપીના નેતાઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. પણ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને સમર્થન આપતાં હવે કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. અને હવે રાજ્યસભાની ચૂંટણીમાં ચોખ્ખી રીતે ભાજપનાં 3 ઉમેદવાર જીતશે અને કોંગ્રેસનો એક જ ઉમેદવાર જીતી શકશે.