રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૧૭.૦૯ સામે ૫૮૧૨૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૬૭૧.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૬.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૯.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૭૮૮.૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૫૫.૦૫ સામે ૧૭૩૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૧૭.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૨.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૪૭.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. રિટેલ બાદ જાહેર થયેલો જથ્થાબંધ ફુગાવાનો આંક વધીને ૧૪.૨૦% સાથે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ આવતા ભારતીય શેરબજારનું માનસ ખરડાયું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠકની જાહેરાત પૂર્વે રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. કર્ણાટક, દિલ્હી બાદ મુંબઈ – મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના શંકાસ્પદ કેસો વધવા લાગતાં ગમે તે ઘડીએ ફરી લોકડાઉન લાગી શકે છે એવા અહેવાલો વહેતાં થતાં ફફડાટમાં રિયલ્ટી, યુટિલિટીઝ, ટેક – આઇટી અને મેટલ શેરોમાં ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૦૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
વિશ્વને અત્યારે હચમચાવી રહેલાં અને ખાસ યુરોપના દેશોમાં ઓમિક્રોન – કોરોના વાયરસને લઈને અફડાતફડી મચી છે, અને અમેરિકા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના સંકેત આપી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના પોઝિટીવ કેસોનો આંક વધવા લાગતાં ફરી દેશમાં લોકડાઉનના ભણકારાં વાગવા લાગતાં ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે ફરી ધોવાણ થયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૦ અને વધનારની સંખ્યા ૧૭૧૨ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૮૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક દરમિયાન ભારતમાં સીધુ વિદેશી રોકાણમાં વાર્ષિક ધોરણે ૪૨%નો ઝડપી ઘટાડો નોંધાયો છે અને તે ૧૩.૫ અબજ ડોલર રહ્યુ છે. આમ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં ભારતે ૩૧.૧ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ મેળવ્યુ. ઉલ્લેખનિય છે કે, વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટર દરમિયાન દેશમાં ૨૩.૪ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યુ હતુ. અલબત્ત કોરોના મહામારી પૂર્વેના નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિકગાળાની સરખામણીએ એફડીઆઇનો મૂડીપ્રવાહ ૩૯.૧૭% વધ્યો હતો. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૧ સપ્ટેમ્બર ક્વાર્ટરના ૨૮.૧ અબજ ડોલરની સરખામણીએ ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં ઇક્વિટી ઇનફ્લો, રિ-ઇન્વેસ્ટેડ અર્નિંગ્સ અને અન્ય મૂડી સહિત કુલ ખઘૈં ઇનફ્લો વાર્ષિક ધોરણે ૩૦% ઘટીને ૧૯.૭ અબજ ડોલર રહ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ બમણી વૃદ્ધિ સાથે ૧૭.૫ અબજ ડોલર નોંધાયુ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૬.૫૬ અબજ ડોલર હતું. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં ભારતે ૩૧.૧ અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યુ છે જે વાર્ષિક તુલનાએ વિદેશી મૂડીપ્રવાહમાં ૪%ની વૃદ્ધિ દર્શાવે છે. આગામી દિવસોમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ ટેપરીંગ થવાની પૂરી શકયતા સાથે વ્યાજ દરમાં વધારો થવાની શકયતા જોવાઈ રહી છે, ત્યારે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ, ફુગાવો, બોન્ડ ટેપરીંગ, વ્યાજ દરમાં વધારાની શકયતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર નજર રહેશે.


