તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું-હું મુસલમાન છું માટે આ કામ કરવું જરૂરી,લીરાનું મૂલ્ય ગબડ્યું

503
  • તુર્કીની મુદ્રા લીરામાં સતત 5 દિવસથી ઘટાડો, છેલ્લા 3 મહિનામાં તેણે પોતાનું લગભગ અડધું મૂલ્ય ગુમાવી દીધું 

નવી દિલ્હી,તા.21 ડિસેમ્બર,મંગળવાર : તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની રાષ્ટ્રીય મુદ્રામાં ડોલરની સરખામણીએ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.દેશને એક ટેલિવિઝન સંબોધન દરમિયાન એર્દોઆને કહ્યું હતું કે,ઈસ્લામમાં ઓછું વ્યાજ કે પછી વ્યાજ ન લેવાનો ઉલ્લેખ છે.માટે તેમના પાસેથી બીજા કશાની આશા ન રાખવામાં આવે.તેમણે કહ્યું હતું કે,’એવી ફરિયાદ કરવામાં આવે છે કે અમે વ્યાજના દરોમાં કાપ મુકી રહ્યા છીએ.મારા પાસેથી તેના સિવાય બીજી કોઈ આશા ન રાખશો.એક મુસ્લિમ હોવાના નાતે હું ઈસ્લામની શિક્ષા અંતર્ગત કામ કરતો રહીશ.’

3 મહિનામાં લીરાએ પોતાનું અડધું મૂલ્ય ગુમાવ્યું

સોમવારના શરૂઆતી એશિયાઈ કારોબારમાં લીરા 6%થી પણ વધુ કમજોર થઈને 17.624 પ્રતિ ડોલર એ આવી ગયેલ.લીરામાં સતત 5 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા 3 મહિનામાં તેણે પોતાનું લગભગ અડધું મૂલ્ય ગુમાવી દીધું છે.આ સમયગાળા દરમિયાન વિશ્વના કોઈ દેશની મુદ્રામાં આટલો મોટો ઘટાડો નથી નોંધાયો.

તુર્કીની આર્થિક દુર્દશા માટે ધર્મનો સહારો લેવાયો

એક મહિનામાં આ બીજી વખત એર્દોઆને તુર્કીની આર્થિક દુર્દશા માટે ઈસ્લામનો સહારો લીધો છે.ઈસ્લામી શિક્ષા મુસલમાનોને ઉધાર કે ઉધારના પૈસા પર વ્યાજ લેવાની મનાઈ કરે છે.એર્દોઆને અગાઉ પણ આ સમજાવવા ઈસ્લામનો હવાલો આપ્યો હતો કે તેમનું માનવું છે કે,વ્યાજના દરો મોંઘવારી ઘટાડવાના બદલે મોંઘવારીનું કારણ બને છે.તેમણે કહ્યું કે,લીરાના મૂલ્યમાં ઘટાડો એ કેટલાક દેશો દ્વારા તુર્કી પરના આર્થિક પ્રતિબંધોનું પરિણામ છે પરંતુ તુર્કી પોતાની નવી આર્થિક નીતિથી પાછું નહીં હટે.ઓછી ક્રેડિટ કોસ્ટ અને સસ્તી મુદ્રાના એર્દોઆનના આર્થિક મોડલ બાદ તુર્કીની મુદ્રા આ વર્ષે ડોલરની સરખામણીએ 57% ઘટી છે.

Share Now