એજન્સી, ભોપાલ
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજનીતિક ઘમાસાણ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી મધ્ય પ્રદેશ સરકાર યુવાઓની વાત સાંભળી રહી ન હતી. પ્રદેશ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ખેડૂતોને આપવામાં આવેલો દેવા માફીનો વાયદો પણ પૂરો કરવામાં આવ્યો ન હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ કારણે કોંગ્રેસ પાર્ટી છોડવા મજબૂર થવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારમાં આવ્યા પહેલા કોંગ્રેસ પાર્ટીએ જનતાને જે વાયદા કર્યા હતા તેને એક વર્ષ પછી પણ પૂરા કરવામાં આવ્યા નથી. જેથી મેં પાર્ટી છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહ્યા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા 11 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં તેમણે ભગવો ધારણ કર્યો હતો. આ દરમિયાન સિંધિયાએ નડ્ડાની સાથે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. બીજેપીમાં આવ્યાના એક કલાક પછી જ તેમને રાજ્યસભાની ટિકિટ મળી હતી. આ સાથે રિપોર્ટ છે કે સિંધિયાને કેન્દ્રની નરેન્દ્ર મોદી કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે.
સિંધિયાના રાજીનામા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સિંધિયાને પાર્ટીએ મધ્ય પ્રદેશમાં ડિપ્ટી સીએમ બનવાની ઓફર આપી હતી. જોકે તેમણે પોતાના સ્થાને બીજાને આ પદ પર લાવવાની વાત કહી હતી. જે માટે સીએમ કમલનાથ તૈયાર થયા ન હતા. દિગ્વિજય સિંહે માન્યું કે તેમને અંદાજો ન હતો કે સિંધિયા પાર્ટી છોડી દેશે. આ અમારી ભૂલી હતી.