– આ પેનડ્રાઈવમાં પોલીસોના કથિત ટ્રાન્સફર રેકેટની વિગતો હોવાનું મનાય છે
મુંબઇ : વરિષ્ઠ આઈપીએસ અધિકારી રશ્મિ શુકલાને સંડોવતા ફોન ટેપિંગ પ્રકરણમાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ જ સ્ટાર સાક્ષીદાર હોઈ તેઓ ગુપ્ત અહેવાલ કઈ રીતે ફૂટયો તેની વધુ માહિતી આપી શકશે તેવી રજૂઆત રાજ્ય સરકારે મેજીસ્ટ્રેટ કોર્ટમાં કરી હતી.આ મુદ્દે એનસીપીના પ્રવકતા અને રાજ્યના કેબીનેટ મંત્રી નવાબ મલિકે જણાવ્યું હતું કે પોલીસોના કથિત ટ્રાન્સફર રેકેટ બાબતનું સંભાષણ ધરાવતી પેનડ્રાઈવ ફડણવીસ પાસે ક્યાંથી આવી અને આ પેનડ્રાઈવનો સ્ત્રોત તેમણે જણાવવો જોઈએ.
મલિકે વધુમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં ફડણવીસે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેમની પાસે આ બાબતની એક પેનડ્રાઈવ છે જે તેઓ કેન્દ્રીય સત્તાવાળાઓને સુપરત કરશે.હવે એ ફડણવીસની જવાબદારી છે કે તેમને પેનડ્રાઈવ કોણે આપી તે બાબત અને તેના સ્ત્રોતની માહિતી આપે.ફડણવીસ આ રીતે સ્ત્રોત બનાવવાથી છટકી શકે નહીં.
નવાબ મલિકે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ છૂપી રીતે સરકારી કચેરીમાંથી કોઈ ગુપ્ત માહિતી મેળવી હોય તો તેને આ માહિતી કોણે પૂરી પાડી તે બાબત જણાવવી ફરજિયાત છે.મલિકે એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં ડેટા લીક થવાનો રીતસરનો ધંધો બની ગયો છે.આ સાથે જ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી)એ ડેટા ચોરી કર્યા હશે તો તેની તપાસ હાથ ધરાશે.

