– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો
કાનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી કાનપુરના 54માં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાનો મંત્ર આપતાં કહ્યું કે,હું ઈચ્છું છું કે તમે પણ એવી જ રીતે આત્મનિર્ભર ભારત માટે અધીરા બનો.તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત એ સંપૂર્ણ સ્વતંત્રતાનું મૂળ સ્વરૂપ છે,જ્યાં આપણે કોઈના પર નિર્ભર નહીં રહીએ.કાનપુર મેટ્રોનું ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન મોદીએ IITના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે દેશની આઝાદીને 25 વર્ષ પૂરા થયા ત્યાં સુધીમાં આપણે આપણા પગ પર ઊભા રહેવા માટે ઘણું બધું કરી લેવું જોઈતું હતું.ત્યારથી અત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું છે.દેશે ઘણો સમય ગુમાવ્યો છે,વચ્ચે 2 પેઢીઓ જતી રહી તેથી આપણે 2 ક્ષણ પણ ગુમાવવી નથી.આજે આપણી પાસે 75થી વધુ યુનિકોર્ન્સ છે,50 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે.આજે ભારત સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભર્યું છે.તાજેતરની રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં ત્રીજા નંબરનું યુનિકોર્ન બન્યું છે.જે આઈઆઈટીની પ્રતિભાને ઓળખે છે,તે જાણે છે કે તેઓ કંઈ પણ કરી બતાવશે.હું ખાતરી આપું છું કે સરકાર બધી રીતે તમારી સાથે છે.
તેમણે કહ્યું કે, જો આપણે આત્મનિર્ભર નહીં બનીએ,તો આપણો દેશ તેના લક્ષ્યોને કેવી રીતે પૂર્ણ કરશે, તે તેના લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચશે? તમે મારા શબ્દોમાં અધીરાઈ અનુભવતા હશો,પણ હું ઈચ્છું છું કે તમે પણ એવી જ રીતે આત્મનિર્ભર ભારત માટે અધીરા બનો.આત્મનિર્ભર ભારત એ સંપૂર્ણ સ્વતંત્રતાનું મૂળ સ્વરૂપ છે,જ્યાં આપણે કોઈના પર નિર્ભર રહીશું નહીં.આજથી શરૂ થયેલી સફરમાં સગવડતા માટે ઘણા લોકો તમને શોર્ટકટ પણ બતાવશે,પરંતુ મારી સલાહ છે કે તમે આરામ પસંદ ન કરો,પડકાર પસંદ કરો.કારણ કે તમે ઈચ્છો કે ન ઈચ્છો,જીવનમાં પડકારો તો આવવાના જ છે.જે લોકો તેનાથી ભાગે છે તેઓ તેના શિકાર બને છે.

