નવી દિલ્હી,તા.30.ડિસેમ્બર : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પોતાની આ મેદાન પર પહેલી જીતથી 6 વિકેટ દુર છે.
બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકાએ 94 રન પર ચાર વિકેટ ગુમાવી છે અને હજી તેને 211 રન જીત માટે કરવાના છે ત્યારે મેચના છેલ્લા અને પાંચમા દિવસે આ વિકેટ પર ભારતની જીતની શક્યતા વધારે છે.
જોકે ભારત અને જીત વચ્ચે વરસાદ વિલન બની શકે છે.કારણકે પાંચમા દિવસે બપોર સમયે તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.અહીંયા તાપમાન 16 થી 27 ડિગ્રીની વચ્ચે રહશે.આજે પાંચમા દિવસે શરુઆતના બે સત્ર સુધી વાતાવરણ ચોખ્ખુ રહે તેવી પણ આગાહી છે ત્યારે ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે,પહેલા બે સત્રમાં જ ભારતીય બોલરો સાઉથ આફ્રિકાના બેટસમેનોને ઓલઆઉટ કરી દે.
આ અગાઉ બીજા દિવસની રમત પણ વરસાદે ધોઈ નાંખી હતી.આ મેચમાં ભારતે પહેલી ઈનિંગમાં 327 અને બીજી ઈનિંગમાં 197 રન કર્યા હતા.તેની સામે સાઉથ આફ્રિકા પહેલી ઈનિંગમાં સસ્તામાં સમેટાઈ ગઈ હતી.
હવે સાઉથ આફ્રિકાએ મેચ જીતવા માટે છેલ્લા દિવસે 211 રન કરવાના છે.સાઉથ આફ્રિકન કેપ્ટન એલગર 52 રન સાથે રમતમાં છે.


