નવી દિલ્હી,તા.30.ડિસેમ્બર, : ભારતના રાફેલ ફાઈટર જેટથી ગભરાયેલા પાકિસ્તાને ચીન પાસેથી રાતોરાત 25 જે-10 ફાઈટર જેટસ ખરીદયા છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રી શેખ રાશીદે જાણકારી આપતા કહ્યુ હતુ કે,આ તમામ વિમાનો 23 માર્ચે પાકિસ્તાન દિવસની ઉજવણીમાં ભાગ લેશે.ચીનનો દાવો છે કે,આ વિમાનો દુનિયાના સૌથી શ્રેષ્ઠ લડાકુ વિમાનો પૈકીના એક છે.
જોકે પાકિસ્તાનના એક સાંસદ તેની ક્ષમતા પર સવાલ ઉઠાવી ચુકયા છે.એવુ મનાઈ રહ્યુ છે કે,ચીનના દબાણના કારણે પાકને આ વિમાનો ખરીદવા પડયા છે.જે વિમાનો પાકે ખરીદયા છે જે-10સી વિમાનો દરેક પ્રકારના હવામાનમાં ઉડાન ભરવા માટે સક્ષમ છે.ચીને પોતે તેને 2006માં પોતાની વાયુસેનામાં સામેલ કર્યા હતા.જાપાનનુ અનુમાન છે કે,ચીન હાલમાં 468 આવા વિમાનોનો ઉપોયગ કરી રહ્યુ છે.
જાણકારોનુ માનવુ છે કે,ચીને અમેરિકાના એફ-16ની ડિઝાઈનના આધારે જ આ વિમાનનુ નિર્માણ કર્યુ છે.ચીન પાસેથી પાકિસ્તાન ઘણા વખતથી આ વિમાન ખરીદવા માંગતુ હતુ.
દરમિયાન પાક સાંસદ અને પાકિસ્તાની મુસ્લિમ લીગના નવાઝ જૂથના નેતા ડોકટર અફનાન ખાનનુ કહેવુ છે કે,પાકિસ્તાન પાસે પહેલેથી જ આ પ્રકારના જે-10 વિમાનો છે અને નવા વિમાનો તેનુ અપગ્રેડ વર્ઝન છે.ચીનનુ વિમાન જોકે ભારતના રાફેલ વિમાન જેટલુ સારુ નથી.પાકિસ્તાને નવા વિમાન ખરીદવાની જગ્યાએ આ પૈકીમાંથી જેએફ-17ને અપગ્રેડ કરવાની અને પાંચમી પેઢીના લડાકુ વિમાનનુ નિર્માણ કરવાની જરુર છે.
પાકિસ્તાને ચીન પાસેથી ખરીદેલા જે-10સીનુ વજન 18 થી 20 ટન છે અને તે 6.5 ટન વજન લઈ જઈ શકે છે.તેમાં લાગેલી પીએલ-15 મિસાઈલ 200 કિમી સુધી માર કરી શકે છે.તેમાં હવામાંથી જમીન પર માર કરનારા બોમ્બ ફિટ કરી શકાય છે.એવો પણ દાવો છે કે,ચીને ઈઝરાયેલના એક વિમાનની કોપી આ વિમાન બનાવવામાં કરી છે.


