ગાંધીનગર : ગુજરાતમાં અગાઉ કોરોનાને કારણે લાગેલા લોકડાઉન દરમિયાન પાનના ગલ્લાઓ બંધ રહ્યા હતા જેના કારણે તંબાકુ,મસાલા,સિગરેટ અને ગુટખા સહિતની પ્રોડક્ટના વ્યસનીઓ માટે કફોડી સ્થિતિ સર્જાઇ હતી.એક સમય એવો આવી ગયો હતો કે, 5 રૂપિયામાં મળતી પડીકીઓ 50 રૂપિયામાં વેચાવા લાગી હતી. બેફામ કાળાબજારી ચાલી રહી હતી.જો કે ત્યાર બાદ લોકડાઉન ખુલ્યું અને સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી. પરંતુ કાળાબજારીનું લોહી ચાખી ગયેલા હોલસેલના વેપારીઓ અને ગલ્લા ધારકોએ સામાન્ય સ્થિતિ હોવા છતા પણ પ્રોડક્ટ પર MRP કરતા પૈસા વધારે લેવાનું ચાલુ રાખ્યું હતું.
આવી ફરિયાદો મોટા પ્રમાણમાં મળવાનાં કારણે આખરે સરકારનાં તોલમાપ વિભાગ દ્વારા આવા અનેક ગોડાઉન અને પાનના ગલ્લાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.ગુજરાતમાં પાન પાર્લરમાં સીગરેટ/ઇમ્પોર્ટેડ સીગરેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થયને લગતી યોગ્ય ચેતવણી વગર કે એમ.આર.પી કરતા વધારે નાણા વસુલાતા હોવાની ફરિયાદનાં પગલે અન્ન નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેના અનુસંધાને 85 હજાર જેટલા પાન પાર્લર અને પ્રોડક્ટના હોલસેલરો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
પ્રોડક્ટ પર છપાયેલી એમઆરપી સાથે છેટછાડ કરીને વધારે કિંમત વસુલવા અને અન્ય નિયમોના ઉલ્લંઘન સબબ કડક કાર્યવાહી કરી હતી.આ તમામ માલ જપ્ત કરવા ઉપરાંત દંડ ફટકારવા સહિતની કડક કાર્યવાહી કરી હતી.હાલ તો આ કાર્યવાહી બાદ સિગરેટનાં વધારે ભાવ વસુલી રહેલા ગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે.પાનના ગલ્લા ચાલકો અને હોલસેલરોમાં આ સમાચાર આગની ઝડપે ફેલાવાને કારણે હવે સ્થિતિ કાબુમાં આવે તેવી શક્યતા છે.


