- બુધવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં ચાર સભ્યોની સમિતિની રચના કરી છે
દિલ્હી : પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક મામલે તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ કરશે. બુધવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિનું નેતૃત્વ નિવૃત્ત ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા,NIAના ડાયરેક્ટર જનરલ,ડાયરેક્ટર જનરલ ઓફ પંજાબ સિક્યુરિટી અને પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને અન્ય સભ્યો કરશે.સમિતિની રચના કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે,આ સ્વતંત્ર સમિતિ સુરક્ષામાં ખામીના કારણો,તેના માટે જવાબદાર વ્યક્તિઓ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટેના પગલાં વિશે માહિતી એકત્ર કરશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન પંજાબ સરકારને ફટકાર પડી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે તમે નક્કી નથી કરી શકતા કે ચૂક થઈ છે કે નહીં,તો પછી તમે કોર્ટમાં કેમ આવ્યા?સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરશે. કોર્ટે આ સમિતિમાં ડીજીપી ચંડીગઢ,આઈજી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી,પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડીજીપી પંજાબને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.આ સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને તેમની તપાસ રોકવાનો આદેશ પણ આપ્યો હતો.

