– ટાટા મેડિકલે ઓમિસ્યોર ટેસ્ટ કીટ (OmiSure)ની કિંમત 250 રૂપિયા પ્રતિ ટેસ્ટ નક્કી કરી જે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ટેસ્ટ કીટ કરતાં ઓછી
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2022, બુધવાર : દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.દેશમાં અત્યાર સુધીમાં આશરે 5 હજાર જેટલા કેસ સામે આવી ચુક્યા છે.પરંતુ આ બધા વચ્ચે રાહતના એક સમાચાર એ મળ્યા છે કે, હવે જો તમે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થયા હશો તો તરત જ તેની તપાસ કરી શકશો. હકીકતે આજથી એટલે કે, 12મી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર (OmiSure) માર્કેટ અને દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે.
કઈ રીતે કરવી તપાસ અને કેટલા સમયમાં મળશે રિપોર્ટ
ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSureને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આઈસીએમઆર તરફથી ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSureને ગત 30 ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી. ઓમિસ્યોર (OmiSure) ટેસ્ટ કીટ અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કીટની જેમ જ કામ કરશે.આ કીટ વડે તપાસ કરવા માટે પણ નાક કે મોઢામાંથી સ્વેબ લેવામાં આવશે.બાદમાં માત્ર 10થી 15 મિનિટમાં જ તપાસનો ફાઈનલ રિપોર્ટ આવી જશે જેવી રીતે અન્ય આરટી-પીસીઆર ટેસ્ટમાં બને છે.ઓમિસ્યોર વડે તપાસની રીત અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કરતાં બિલકુલ અલગ નહીં હોય.
ઓમિસ્યોર ટેસ્ટ કીટની કિંમત
ટાટા મેડિકલે ઓમિસ્યોર ટેસ્ટ કીટ (OmiSure)ની કિંમત 250 રૂપિયા પ્રતિ ટેસ્ટ નક્કી કરી છે જે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ટેસ્ટ કીટ કરતાં સસ્તી છે.જોકે, પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ દ્વારા વધારાનો ચાર્જ જોડવામાં આવી શકે છે કારણ કે, તે ઘર-આધારીત પરીક્ષણ નથી.
આ ટેસ્ટ ઘરે નહીં કરી શકાય
આ કીટની મદદથી તમે ઘરમાં જ તપાસ નહીં કરી શકો માટે અલગથી લેબ ચાર્જ લાગી શકે છે. ટાટા એમડી પાસે હાલ દર મહિને 2,00,000 ટેસ્ટ કીટ ઉત્પાદનની ક્ષમતા છે.કંપની તેને વિદેશમાં વેચવાની યોજના પણ બનાવી રહી છે તથા યુરોપિયન યુનિયન અને અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં આ માટે અરજી પણ કરી દીધી છે.
ઓડિશાએ આપ્યો 5 લાખ ટેસ્ટ કીટનો ઓર્ડર
ઓડિશા સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ (ઓએસએમસીએલ)એ 5 લાખ ઓમિસ્યોર આરટી-પીસીઆર કીટ માટે ઓર્ડર આપ્યો છે.આવું કરનારું ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે કોવિડ-19 પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોનની ઓળખ મેળવવા માટે કિટનો ઓર્ડર આપ્યો હોય.