- ડિંડોલીની મહિલા અને સચિનના યુવાનની તબિયત લથડતા લવાયા હતા બે દિવસમાં સિવિલમાં અન્ય સારવાર માટે આવેલા 30 જણ પોઝિટિવ
સુરત : સુરત સિટીમાં કોરોના રોકેટ ગતિથી વકરી રહ્યો હોવાથી કેસમાં અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.ડિંડોલીની મહિલા અને સચિનનો યુવાન તબિયત બગડતા નવી સિવિલમાં લવાતા મૃત જાહેર કર્યા હતા.બાદમાં બંનેના રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.જયારે સિવિલમાં બે દિવસમાં ઇમરજન્સીમાં સારવાર માટે આવતા 30 દર્દીના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બનતા કેસમા ઉછાળો આવી રહ્યો છે.આવા સમય આરોગ્ય વિભાગ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પ્રયાસો કરી રહ્યું છે.નવી સિવિલ હોસ્પિટલમાં વિવિધ તકલીફોની સારવાર માટે આવતા દર્દીઓના કોરોના અંગેના વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.સિવિલની કિડની બિલ્ડીંગમાં આવેલા તાત્કાલિક સારવાર વિભાગમાં ગંભીર હાલતના દર્દી તથા મેડિકલ લીંગલ કેસ સહિતના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.દરમિયાન ડિંડોલીમાં રહેતી ૨૫ વર્ષની મહિલા અને સચિનમાં હોજીવાલા પાસે રહેતો ૩૮ વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે તબિયત બગડતા સારવાર માટે નવી સિવિલની કિડની બિલ્ડીંગમાં તાત્કાલિક સારવાર વિભાગમાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને વારાફરથી મૃત જાહેર કર્યા હતા.બાદમાં બંનેની હિસ્ટ્રીને ધ્યાનમાં લઇ ડોક્ટરોએ બંનેના કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાની ગાઈડ લાઈન મુજબ અંતિમ ક્રિયા માટે ડોક્ટરે કહ્યું હતું.જોકે આ સતાવાર જાહેર કરવામાં આવ્યા નથી.
શનિવાર તા.15મીએ સિવિલના તાત્કાલિક સારવાર વિભાગમા આવેલા 112 વ્યક્તિઓના કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં 23 દર્દી પોઝિટિવ આવ્યા હતા.રવિવારે સાંજ સુધીમાં રેપિડ ટેસ્ટ કરાયેલા 50 પૈકી 7 દર્દી પોઝિટિવ આવ્યા હતા.જેમાં બે બાળકો હોવાનું જાણવા મળે છે.પોઝિટિવ આવેલા દર્દીઓને તાત્કાલિક સારવાર વિભાગમાંથી એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે કોવિડ બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.