કોરોનાએ એક તરફ ૭૦૦૦થી વધુ લોકોનો ભોગ લઈને ગભરાટ ફેલાવ્યો છે ત્યારે બીજી તરફ વિશ્વનાં અર્થતંત્રને પણ ચારેબાજુથી કોરી ખાધું છે. જે રીતે અમેરિકાનાં શેરબજારોમાં દરરોજ ગાબડાં પડી રહ્યાં છે તે જોતાં અમેરિકાની ઈકોનોમી પણ મંદી તરફ સરકી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. એશિયા અને યુરોપના તેમજ ભારતમાં બજારોમાં પણ આને કારણે મોટી ઊથલપાથલ સર્જાઈ રહી છે. ભારતનાં બજારોમાં છેલ્લા ૧૨ દિવસમાં સોનું તેની ઊંચી સપાટીથી રૂ. ૫૨૦૦ અને ચાંદી રૂ. ૧૧,૩૫૦ ઘટયા છે. રોકાણકારો હાલ શેર અને સોના-ચાંદી જેવા સુરક્ષિત રોકાણ તરફથી મોઢું ફેરવી રહ્યા છે અને રોકડ હાથ પર હોવા છતાં શેરો ખરીદવા કે સોના-ચાંદી ખરીદવામાં નીરસતા દર્શાવી રહ્યા છે. જે મંદીનો સંકેત આપે છે.
સોનામાં રૂ. ૫૨૦૦નો ઘટાડો
દેશનાં સોના-ચાંદી બજારમાં મંગળવારે સવારે સોનામાં ૨૦ એપ્રિલનો ડિલિવરી વાયદો સવારે ૧૧.૩૦ કલાકે રૂ. ૩૯,૧૫૬ પર ટ્રેડ થતો હતો. ૫ માર્ચે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪,૪૫૮ બોલાતા હતા. ૧૦ માર્ચ પછી સોનામાં ભાવ સતત ઘટતા રહ્યા છે. છેલ્લા ૧૨ દિવસમાં સોનું તેની ઊંચી સપાટીથી રૂ. ૫૨૦૦થી રૂ. ૫૫૦૦ ઘટયું હતું.
ચાંદીમાં રૂ. ૧૧,૩૫૦નું ગાબડું
દેશનાં સોના-ચાંદી બજારમાં સોનાને પગલે ચાંદીમાં પણ મંદીનો કારોબાર જોવા મળ્યો હતો. ચાંદી ૨૦ મે ડિલિવરી વાયદો મંગળવારે સવારે કિલોએ રૂ. ૩૫,૫૮૭ના ભાવ પર ટ્રેડ થતો હતો ૬ માર્ચે તેનો મહત્તમ ભાવ કિલોએ રૂ. ૪૬,૯૬૯ બોલાયો હતો. છેલ્લા ૧૧ દિવસમાં ચાંદીના ભાવ કિલોએ રૂ. ૧૧,૩૫૦ ઘટયા હતા. તે ઉપરાંત માર્ચમાં સેન્સેક્સમાં મોટા કડાકા જવા મળ્યા હતા. ૩ માર્ચે સેન્સેક્સ ઊંચી સપાટીએ ૩૮,૬૨૩ પોઇન્ટ હતો જે મંગળવારે સવારે ૧૧.૪૦ કલાકે ૩૧,૪૫૦ પોઇન્ટની આસપાસ ટ્રેડ કરતો હતો. આમ તેમાં ૭૨૦૦ પોઇન્ટનો કડાકો થયો હતો.
અમેરિકા સહિત અનેક દેશોએ સ્પેશિયલ ફંડ ઊભું કર્યું
અમેરિકા સહિત અનેક દેશો મંદીનો સામનો કરવા સ્પેશિયલ પેકેજ માટે ફંડ ઊભું કરી રહ્યા છે. યુએસ ફેડ દ્વારા સોમવારે તેના વ્યાજ દરમાં ૧ ટકાનો ઘટાડો કરાયો હતો. ફેડ રેટ દ્વારા વ્યાજદરને ૦. ૨૫ બેઝિસ પોઇન્ટ કે શૂન્યની નજીક લાવવામાં આવ્યા હતા. ૭૦૦ અબજ ડોલરના બોન્ડ ખરીદવા જાહેરાત કરાઈ હતી.
MCXમાં સોનું ૮૦૦ ઘટયું
મંગળવારે MCXમાં સોનું એપ્રિલ વાયદો ૨ ટકા કે રૂ. ૮૦૦ ઘટીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮,૭૫૫ થયો હતો. સોનું છેલ્લા ૫ દિવસમાં રૂ. ૪૪,૫૦૦ના લેવલથી રૂ. ૫૦૦૦ ઘટયું હતું. ચાંદીમાં પણ વેચવાલીનું દબાણ સર્જાયું હતું અને કિલોએ ૫ ટકાના ઘટાડે રૂ. ૩૪,૫૦૦ થઈ હતી. આ ઉપરાંત વિશ્વબજારમાં સોનામાં તીવ્ર ઘટાડો થયો હતો અને હાજર સોનું ઔંસદીઠ ૩ ટકા ઘટીને ૧૪૭૧ ડોલર બોલાતું હતું. ચાંદી ૪.૭ ટકા ઘટીને ૧૨.૨૯ ડોલર થઈ હતી.