- ડભોલીની જવેલરી શોપમાંથી ખરીદીના બહાને સોનાનો પોચો લઈ ભાગ્યો પણ લોકોએ ઝડપીને પોલીસને હવાલે કર્યો
સુરત : સુરતના ડભોલી ગાયત્રી મંદિરની બાજુમાં દેવીકૃપા સોસાયટીમાં આવેલી જવેલરી શોપમાંથી રવિવારે સાંજે એક યુવાન ખરીદીના બહાને સોનાનો પોચો લઈ ભાગ્યો હતો પણ સોનીએ પાછળ દોડી બુમાબુમ કરતા લોકોએ તેને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રૂ.8 લાખની કારલોનના હપ્તા ચૂકવવા આર્થિક સંકડામણ અનુભવતો હોય રત્નકલાકાર યુવાને જવેલરી શોપમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ખસ ગામનો વતની અને સુરતમાં ડભોલી રોડ ગાયત્રી મંદિરની બાજુમાં રહેતો 25 વર્ષીય રાહુલ રમેશભાઇ હડીયલ ઘર નજીક દેવીકૃપા સોસાયટી પ્લોટ નં.100 દુકાન નં.1 માં શ્રીહરિ જવેલર્સના નામે દાગીનાની દુકાન ધરાવે છે.ગત બપોરે બે થી અઢી વાગ્યાના અરસામાં એક અજાણ્યો યુવાન તેની દુકાને આવ્યો હતો અને દાગીના વિશે જાણકારી મેળવી થોડીવારમાં ચાલ્યો ગયો હતો. સાંજે પાંચ વાગ્યે તે ફરી આવ્યો હતો અને રાહુલને કહ્યું હતું કે સવારે જે કેટલોગ બતાવ્યા હતા ટી એ પાછા બતાવો.ઉપરાંત,દાગીનો કઈ રીતે બને અને કેવો લાગે તેનું મને સેમ્પલ બતાવો.આથી રાહુલે તૈયાર થયેલો સોનાનો હાથનો પોચો બતાવતા તેણે વિડીયો કોલ કરી કોઈ સ્ત્રી સાથે વાત કરી હતી અને પછી નજર ચૂકવી પોચો લઈ ભાગતા રાહુલ પણ તેની પાછળ બૂમો પાડતો ભાગ્યો હતો.
આથી ત્યાંથી પસાર થતા લોકોએ ભેગા થઈ તેને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચેલી સિંગણપોર પોલીસે ઝડપાયેલા યુવાનની અટકાયત કરી પુછપરછ કરતા તેની ઓળખ દિપકસિંગ ધુરાજસિંગ રાજપુત (ઉ.વ.33, રહે.પ્લોટ નં.31, સિધ્ધેશ્વર સોસાયટી,વેડરોડ,સુરત,મુળ રહે.શંભુગંજ,જી.જોનપુર,ઉત્તર પ્રદેશ) તરીકે થઈ હતી.રત્નકલાકાર તરીકે કામ કરતા અને એક પુત્ર તેમજ એક પુત્રીના પિતા દિપકસિંગે કાર ખરીદવા રૂ.8 લાખની લોન લીધી હતી.પણ કોરોનાને લીધે તેની આર્થિક સ્થિતી બગડતા તે લોનના હપ્તા ચુકવવામાં તકલીફ અનુભવતો હતો.તેથી તેણે ચોરીનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે સિંગણપોર પોલીસે રાહુલની ફરિયાદના આધારે ગુનો નોંધી દીપકસિંગની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


