ચીને કબજે કરેલી ભારતીય જમીન પર પુલનું કામ વધુ ઝડપી બનાવ્યું

180
  • પૂર્વી લદ્દાખમાં પુલના નિર્માણ કામની વધુ સેટેલાઇટ તસવીરો સામે આવી.પુલ તૈયાર કરીને ચીન 200 કિમીનું અંતર ઘટાડી શકશે, યુદ્ધ સમયે હથિયારો અને ટેંકો ઝડપથી પહોંચાડી શકશે.પુલ જે વિસ્તારમાં બની રહ્યો છે ત્યાં ચીને 1960ના દસકામાં કબજો કર્યો હતો,ભારતના વિરોધની પણ કોઇ અસર નહીં

નવી દિલ્હી : લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજુ પણ શાંત નથી થયો.એવા અહેવાલો છે કે પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સોની પાસે ચીન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા પુલને લઇને બન્ને દેશો વચ્ચે તંગદીલી ફરી વધી શકે છે.ઓપન-સોર્સ ઇંટેલિજંસ એનાલિસ્ટ ડેમિયન સાઇમને હાલમાં જ આ પુલની સેટેલાઇટ તસવીરો જાહેર કરીને ચીનની પોલ ખુલ્લી પાડી હતી.

આ તસવીરોમાં ચીન પુલ બનાવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.આ પુલની મદદથી ચીન સૈન્ય સામગ્રીઓને વધુ સરળતાથી સરહદે પહોંચતી કરી શકશે જેનાથી ભારતની મુશ્કેલી વધી શકે છે.

રિપોર્ટ અનુસાર લેકના ઉત્તરી વિસ્તારમાં રુતોગ સુધી પહોંચવા માટે ચીન આ પુલ બનાવી રહ્યું છે.આ પુલના બની જવાથી રુતોગ સુધી પહોંચવા માટે ચીની સૈન્ય માટે 200 કિમીનું અંતર ઓછુ થઇ જશે.સ્વીડનના ઉપ્સાલા યૂનિ.માં પીસ એંડ કંફ્લિક્ટ રિસર્ચ ડિપાર્ટમેંટના પ્રમુખ પ્રોફેસર અશોક સ્વૈને કહ્યું હતું કે સ્પષ્ટ સંકેતો છે કે ચીનનો આ વિસ્તારમાંથી પાછળ હટવાનો કોઇ જ પ્લાન નથી.ચીન જે વિસ્તારમાં આ પુલ બનાવી રહ્યું છે ત્યાં તેણે 1960ની આસપાસ કબજો કર્યો હતો.

ભારતે પણ કહ્યું છે કે ચીન જે વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે તેના પર તેણે 1960થી કબજો કર્યો છે.આ કબજાનો ભારતે ક્યારેય સ્વિકાર નથી કર્યો.ભારત અને ચીન વચ્ચે 20 મહિનાથી પૂર્વી લદ્દાખમાં વિવાદ ચાલી રહ્યો છે.

બન્ને દેશોના સૈન્ય વચ્ચે અહીંની ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ પણ થઇ ચુક્યું છે અને 14 વખત બન્ને દેશોએ વાતચીત પણ કરી છે.જોકે મામલો હજુ પણ ગુુંચવાયેલો છે અને તેનું નિરાકરણ લાવવાના દાવા ચીન કરી રહ્યું છે પણ બીજી તરફ પુલ બનાવવા કે ગલવાનમાં પોતાનો ધ્વજ ફરકાવવા જેવા વિવાદો ચીન ઉભુ કરતું આવ્યું છે.ચીન દ્વારા પૂર્વી લદ્દાખમાં બહુ જ ઝડપથી પૂલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે.આ પરિસ્થિતિ વચ્ચે હવે તસવીરો સામે આવી છે કે ચીન પૈંગોંગ લેક પર બહુ જ ઝડપથી પુલનું નિર્માણ કામ કરી રહ્યું છે.ચીન આ પુલને વહેલી તકે પૂર્ણ કરી લેવા માગે છે.

તસવીરો પરથી એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે જે વિસ્તારમાં ચીન આ પુલ બનાવી રહ્યું છે તે ભારતની જ જગ્યા છે અને તેના પર વર્ષો પહેલા તેણે કબજો કર્યો હતો.આ પુલનું નિર્માણ કામ ઝડપથી થઇ રહ્યું હોવાની તસવીરો હાલમાં જ 16 તારીખે જ લેવામાં આવી હતી.તસવીરો પરથી સ્પષ્ટ દેખાઇ છે કે ચીને અહીં બહુ મોટી ક્રેન તૈનાત કરી છે.જેની મદદથી ચીન પુલ બનાવી રહ્યું છે.

Share Now