– સુપ્રીમ કોર્ટમાં કોરોનાની આફત તૂટી પડી છે.દેશની ટોચની કોર્ટના દસ જજોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સંક્રમણને કારણે કોર્ટના કાર્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓના સંક્રમિત હોવાનો દર ૩૦ ટકાની નજીક પહોંચી ગયો છે.સામાન્ય લક્ષણોવાળાઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.ચીફ જસ્ટિસ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.મુખ્ય ન્યાયમૂર્તિ સહિત સુપ્રીમ કોર્ટના ૩૨ જજોમાંથી અત્યાર સુધી ૧૦ જજોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.બે સંક્રમિત જજ ન્યાયમૂર્તિ કે એમ જોસેફ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિંહાએ નેગેટિવ થઇને ફરીથી કાર્ય શરૂ કરી દીધું છે.હાલમાં આઠ જજ કોવિડથી સંક્રમિત છે.તેમને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
ડો.શ્યામ ગુપ્તાએ નેતૃત્ત્વમાં કેન્દ્ર સરકારની એક મેડીકલ ટીમ સંક્રમિત જજો અને કર્મચારીઓની સારવાર માટે ૨૪ કલાક કામ કરી રહી છે.દરરોજ ૧૦૦થી ૨૦૦ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.સંક્રમણ દર ૩૦ ટકાની આસપાસ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટમાં લગભગ ૧૫૦૦ કર્મચારીઓમાંથી ૪૦૦ના રિપોર્ટ અત્યાર સુધીમાં પોઝિટીવ આવ્યા છે.સુપ્રીમ કોર્ટમાં સીજીએચએસ કેન્દ્રમાં પાંચ ડોક્ટરોમાંથી ત્રણનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.તેમને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.આનાથી ડો.ગુપ્તાની ટીમ પર દબાણ વધી ગયું છે.

