- રેલવે સ્ટાફ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો, વિકલાંગો અને એકલી મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડશે
નવી દિલ્હી,તા.20 જાન્યુઆરી,ગુરૂવાર : ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રિકોની રાતની ઊંઘ હવે ખરાબ નહીં થાય. મુસાફરી દરમિયાન આજુબાજુમાં કોઈપણ સહયાત્રી મોબાઈલ ફોન પર મોટા અવાજમાં વાત નહીં કરી શકે અને મોટા અવાજે મ્યુઝિક પણ નહીં સાંભળી શકે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવે એ મહત્વનો નિર્ણય લીધો છે.યાત્રિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના કારણે રેલવે હવેથી આવા લોકો પર કાર્યવાહી કરશે.એટલું જ નહીં ટ્રેન સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.આ સંદર્ભમાં રેલવે મંત્રાલય એ તમામ ઝોનને આદેશો જારી કરી દીધા છે,જેથી આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરી શકાય.
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર મોટા ભાગના યાત્રિકો ફરિયાદ કરતા હતા કે,સહયાત્રી મોબાઈલ પર મોટા મોટા અવાજે વાત કરે છે અથવા તો મ્યુઝિક સાંભળે છે.આ પ્રકારની ફરિયાદ પણ આવતી હતી કે,કોચમાં બેઠેલું કોઈ ગ્રુપ રાત્રે મોટા અવાજે ડિસ્કશન કરે છે.તે સિવાય એવી પણ ફરિયાદ હતી કે,રેલવેના સ્કોર્ટ કે મેઈન્ટેનન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટેથી વાતો કરતા નીકળતા હોય છે,જેનાથી મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે.આ સિવાય રાત્રે લાઈટ ચાલુ રાખવાને લઈને પણ વિવાદ થતો હતો,જેની ફરિયાદ પણ રેલવેને મળી હતી.
યાત્રિકોને અનુભવાતી આ પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવેએ મહત્વનો નિર્ણય લેતા આદેશ જારી કરી દીધો છે.હવેથી કોઈ પણ મુસાફર આ સંબંધિત ફરિયાદ નોંધાવી શકે છે જેના પર ટ્રેન સ્ટાફ તાત્કાલિક કાર્યવાહી કરશે.ફરિયાદનું સમાધાન ના થવા પર હવેથી રેલવે સ્ટાફની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
રાત્રે 10:00 વાગ્યા બાદની ગાઈડ લાઈન
– કોઈ પણ મુસાફર મોટા અવાજથી મોબાઈલ પર વાત નહીં કરે અથવા ઉંચા અવાજે મ્યુઝિક નહીં સાંભળી શકે,જેનાથી સહયાત્રી ડિસ્ટર્બ થાય.
– રાત્રે નાઈટ લાઈટને છોડીને બધી લાઈટ બંધ કરવાની રહેશે,જેથી સહયાત્રીની ઊંઘ ખરાબ ના થાય.
– ગ્રુપમાં મુસાફરી કરનારા યાત્રિકો ટ્રેનમાં મોડી રાત સુધી વાતો નહીં કરી શકે.સહયાત્રી દ્વારા ફરિયાદ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે.
– રાત્રિના સમયે ચેકીંગ સ્ટાફ,આરપીએફ,ઇલેક્ટ્રિશિયન,કેટરિંગ સ્ટાફ અને મેઇન્ટેનન્સ સ્ટાફ તેમની કામગીરી શાંતિપૂર્ણ રીતે કરશે,જેથી મુસાફરોને તકલીફ ન પડે.
– આ સાથે જ રેલવે સ્ટાફ 60 વર્ષથી વધુ વયના વૃદ્ધો,વિકલાંગો અને એકલી મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડશે.

