– ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ઓમિક્રોન વેરિયન્ટનો સૌકોઈને ખતરો છે. જોકે દરેક મા-બાપને પોતાના કરતાં બાળકોની વિશેષ ચિંતા હોય છે.જો મારા બાળકને ઓમિક્રોન થઈ જશે તો શું થશે? આવા અનેક સવાલો તેમના મનમાં ઊઠી રહ્યા છે,જે ચિંતા જન્માવે છે.ચિંતા કરવાની નહીં, પણ સાવચેત રહેવાની જરૂર છે,ત્યારે દિવ્ય ભાસ્કરે આ મુદ્દે અમદાવાદના જાણીતા બાળકોના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. હાર્દિક પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી.દિવ્ય ભાસ્કરે મા-બાપના મનમાં ઊઠતા સવાલો ડૉ. હાર્દિક પટેલને પૂછ્યા છે.તો ચાલો,જાણીએ કે તમારા બાળકને ઓમિક્રોનથી બચાવવા શું-શું કરવું જોઈએ.
ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટમાં શું ફરક છે?
ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો ડેલ્ટા વેરિયન્ટ કરતાં ઝડપી ફેલાતો વેરિયન્ટ છે.ડેલ્ટા વેરિયન્ટ એકમાંથી પાંચ લોકામાં ફેલાતો હતો,જેની સમખામણીએ ઓમિક્રોન બેથી પાંચ ગણી વધુ ઝડપથી ફેલાય છે.જોકે ઓમિક્રોનની સારી બાબત વિશે વાત કરીએ તો એનામાં દર્દીનાં ફેફસાં,હૃદય,મગજ સહિતનાં અંગોને નુકસાન પહોંચાડવાની તાકાત ખૂબ ઓછી છે.ડેલ્ટા વેરિયન્ટમાં શ્વસનતંત્રને જે નુકસાન થતું હતું એવું નુકસાન ઓમિક્રોનથી થતું નથી.
બાળકોને ઓમિક્રોન થાય તો કયાં લક્ષણો જોવા મળે છે?
જો બાળકોને ઓમિક્રોન થાય તો કેટલાંક સામાન્ય લક્ષણો જોવા મળે છે,જેમ કે હળવું માથું દુખવું.તાવ આવવો ગળામાં ખારાશ થવી અને સ્નાયુનો દુખાવો થવો.
લક્ષણો જણાય તો કયો રિપોર્ટ કરાવવો જોઈએ?
બાળકોમાં જો ઓમિક્રોનનાં લક્ષણો જણાય તો RTPCR રિપોર્ટ કરાવવો જોઈએ,કેમ કે તેની સેન્સેટિવિટી 91%થી 93% જોવા મળી છે.બ્રીફ રિપોર્ટ કરાવવા એન્ટિઝન ટેસ્ટ પણ કરાવી શકાય છે.જોકે તેની સેન્સેટિવિટી 30%થી 40% સુધીની જ છે.સપોર્ટિવ રિપોર્ટ તરીકે સીબીસી,સીઆરપી અને ડી ડાયમર રિપોર્ટ પણ કરાવી શકાય છે.શ્વસનતંત્રને અસર હોય તેવા કિસ્સામાં છાતીનો એક્સ-રે પણ લેવામાં આવે છે.
બાળકોને ઓમિક્રોન થાય તો કઈ સારવાર આપવામાં આવે છે?ઓમિક્રોનમાં બાળકોને એન્ટીવાઇરલ ડ્રગ્સ આપવામાં આવતું નથી.કેટલાક કિસ્સામાં બેઝિક એન્ટીબાયોટિક દવા તરીકે એઝિથ્રો માઈસિન આપવામાં આવે છે.તાવ જણાય તો પેરાસિટામોલ પણ આપવામાં આવે છે.કફની પણ દવા આપવામાં આવે છે.બાળકોની ઈમ્યુનિટી વધારવા ઝિંક અને વિટામિન-સીની ટેબ્લેટ આપવામાં આવે છે.
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા કેવો ખોરાક આપવો?
બાળકોનું રક્ષણ કરવું હોય તો પ્રોટીનયુક્ત આહારનું રેગ્યુલર સેવન કરાવવું જોઈએ.ફણગાવેલા મગ સહિતના કઠોળ વિટામિન-સી અને ઝિંક મળે એવાં ફળો,જેવા કે નારંગી,મોસંબી અને લીંબુ સરબત આપી શકાય.છથી 12 મહિના સુધી આ પ્રકારનો આહાર આપવો જોઈએ.

