- યુક્રેન પર હુમલાના જવાબમાં રશિયા પર એવા આકરા પ્રતિબંધો લગાવાશે, જે તેણે ક્યારેય જોયા નહીં હોય : બાઈડેન
વોશિંગ્ટન,તા.૨૦ : યુક્રેન અંગે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.આ મુદ્દે અગાઉ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકન પ્રમુખ જો બાઈડેન વચ્ચે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ ગઈ હતી.હવે યુક્રેન મુદ્દે અમેરિકન પ્રમુખ જો બાઈડેને જણાવ્યું છે કે યુક્રેન પર હુમલાની જવાબદારી રશિયા પર થોપવામાં આવશે.રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેના માટે મોટી મુસિબત માથે આવી પડશે.અમારા સાથીઓ રશિયા અને તેના અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે.
અમેરિકાના પ્રમુખ જો બાયડને ચેતવણી આપી હતી કે રશિયા,યુક્રેન ઉપર આક્રમણ કરશે જ પરંતુ આ હુમલાની તેણે આકરી કિંમત ચૂકવવી પડશે.બાઈડેને રશિયન પ્રમુખ પુતિનને ચેતવણી આપતા કહ્યું કે રશિયા યુક્રેન પર હુમલો કરશે તો અમે રશિયા પર એવા આકરા પ્રતિબંધો લગાવીશું,જે તેણે ક્યારેય જોયા નહીં હોય. બાઈડેને ઉમેર્યું કે,અમે અગાઉથી જ યુક્રેનને ૬૦૦ મિલિયન યુએસ ડોલર (અંદાજે ૪૪.૬૭ અબજ રૂપિયા)થી વધુના જટિલ સંરક્ષણ ઉપકરણ મોકલ્યા છે.યુક્રેન પર હુમલાની સ્થિતિમાં રશિયા માટે જીવનનું ભૌતિક નુકસાન ખૂબ જ વધુ,વાસ્તવિક હશે.
રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર બની રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ગયા ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે,અમે માત્ર અમારી સંયુક્ત ચિંતાઓને જોવા માટે જ સહયોગીઓ અને ભાગીદારો સાથે સમન્વય નથી સાધ્યો,પરંતુ અમે એ બાબતનું પણ ધ્યાન રાખીશું કે રશિયા યુક્રેન વિરુદ્ધ નવેસરથી આક્રમક્તા અપનાવશે તો અમે સાર્થક અને વ્યાપક પ્રતિક્રિયા આપીશું.બ્લિંકને કહ્યું હતું કે,નાટો,યુરોપીયન સંઘ અને જી-૭ના નિવેદનો પર પણ અમારી નજર છે.બધા સ્પષ્ટપણે કહે છે કે રશિયા યુક્રેન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરશે તો તેના વ્યાપક પરિણામ આવશે.
અખબારી અહેવાલો મુજબ બ્લિંકને યુક્રેનના પ્રમુખ વલોડિમિર જેલેન્સ્કીને જણાવ્યું હતું કે રશિયન સૈન્ય ખૂબ જ ટૂંકી નોટિસ પર હુમલો કરી શકે છે.અંદાજે એક લાખ રશિયન સૈનિકો યુક્રેનની સરહદે એકત્ર થયા છે.એનએચકે વર્લ્ડના રિપોર્ટ મુજબ બાઈડેન તંત્રે યુક્રેન માટે સૈન્ય સહાયમાં વધારાના ૨૦૦ મિલિયન ડોલરની મંજૂરી આપી છે.આ સિવાય બ્લિંકન આ મુદ્દા પર ૨૨મી જાન્યુઆરીએ જિનેવામાં રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ મુલાકાત કરશે.
જોકે,એન્ટની બ્લિંકનના નિવેદન અંગે રશિયાએ આકરી પ્રતિક્રિયા આપી હતી.રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે,તેના દેશમાં યુક્રેન અંગે અમેરિકા સાથેના તણાવમાં પાછા હટવાની કોઈ જગ્યા નથી.તેમણે કહ્યું કે જ્યાં સુધી યુક્રેન પશ્ચિમમાં તેની આક્રમક રેખા નહીં છોડે ત્યાં સુધી તેણે આકરી પ્રતિક્રિયા માટે મજબૂર થવું પડશે.
યુક્રેનની સરહદે રશિયાએ ૧ લાખનું સૈન્ય ખડક્યું હોવા છતાં તેના અધિકારીઓ સતત કહે છે કે તેઓ રશિયા ઉપર આક્રમણ કરવાના નથી.બીજી તરફ પશ્ચિમના દેશો કહે છે કે યુક્રેનને નાટો જૂથમાં જોડાતું રોકવા માટે રશિયાએ યુક્રેનને ધમકી આપવા માટે જ તેની સરહદે સૈન્ય ખડક્યું છે.યુક્રેન સાથે સરહદ ધરાવતો બીજો દેશ રશિયા પણ યુક્રેનની વિરૂધ્ધ આ કારણે જ થયો છે.


