20મીએ મળનારી ખાસ સામાન્ય સભામાં આ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના આ રોડ ખુલ્લો થાય તો શહેરીજનોની સાથે વાહનચાલકોને મોટો ફાયદો થશે
બારડોલી
બારડોલી નગરપાલિકાના બજેટ અંગેની ચર્ચા માટે આગામી શુક્રવારના રોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે 4 વાગ્યે મળનારી આ બેઠકમાં શહેરના ટી.પી. અને ડી.પી. રસ્તાઓને ખુલ્લા કરવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.
બારડોલી શહેરમાં આવેલ ડી.પી. અને ટી.પી.રોડ પર ઠેર ઠેર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા છે. આ દબાણો પૈકી આચાર્ય તુલસી માર્ગ ઉપરાંત અન્ય કેટલાક માર્ગો પર દબાણકર્તાઓને થોડા દિવસ અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. આ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવા માટે આગામી 20મીએ મળનારી સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આચાર્ય તુલસી માર્ગને સ્ટેશન રોડથી ગાંધી રોડ સુધી લંબાવી શહેરના મહત્વના લિન્ક રોડ અંગે પણ ચર્ચા કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. મદરિયા ભવનથી ગાંધીરોડ સુધીના રોડને ખુલ્લો કરવામાં આવે તો બારડોલી શહેરને ગાંધી રોડથી સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ થઈ કડોદ રોડ સુધીની અતિ મહત્વપૂર્ણ રસ્તાની ભેટ મળી શકે એમ છે. આ રસ્તાને ખુલ્લો કરવા માટે પણ સભામાં ચર્ચા થવાની સંભાવના છે. આ લિન્ક રોડને ખુલ્લો કરવા માટે અગાઉ પણ અનેક વખત પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા થઈ છે. પરંતુ તેનો કોઈ નિવેડો આવી શક્યો નથી. ત્યારે હાલના શાસકો અને અધિકારીઓ શહેરીજનોને લાભદાયક નિર્ણય લઈને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરતે તેવી પણ માંગ ઉઠવા પામી છે. બીજી તરફ આચાર્ય તુલસી માર્ગ પર થયેલ ગેરકાયદે બાંધકામોને પણ દૂર કરવામાં આવે તે નગરના હિતમાં હોવાનું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે.
લિન્ક રોડ બને તો શહેરીજનોને ફાયદો
બારડોલીમાં ગાંધી રોડથી સ્ટેશન રોડને જોડતો કોઈ મહત્વનો રોડ હાલ અસ્તિત્વમાં નથી. હાલમાં જે રોડ છે તે મોટા ભાગ સાંકડા હોય મોટા વાહન ચાલકોને તો સુરતી જકાતનાકા કે પછી અલંકાર સિનેમા નજીકથી જ સ્ટેશન રોડ પર પ્રવેશવું પડે છે. આથી જો સ્ટેશન રોડ પર મદરિયા ભવનથી ગાંધી રોડને જોડતો રોડ ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં પણ ઘણા અંશે રાહત થઈ શકે એમ છે. આ રોડ ખુલ્લો થાય તો તે ગાંધી રોડથી સ્ટેશન રોડ, અભિરામદાસ ત્યાગી માર્ગ, શાસ્ત્રી રોડ, અટલ બિહારી વાજપેયી રોડ, ડૉ. આંબેડકર રોડ અને કડોદ રોડને જોડતો હોય અનેક લોકોને તેનો ફાયદો થવાનો છે. શહેરના મધ્યમાંથી જ પસાર થતો હોય શહેરના કોઈ પણ વિસ્તારમાં રહેતા લોકોને માટે આ રોડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે જ વાહન ચાલકોને પણ લાંબો ચકરાવો મારવામાંથી છુટકારો મળી જશે. ત્યારે પાલિકા શાસકો આ મામલે શહેરીજનોની તરફેણમાં નિર્ણય લે તેવી માંગ ઉઠવા પામી છે.