– ઈલોન મસ્કની સંપત્તિ 25 અબજ ડોલર ઘટી ગઈ : એક જ સપ્તાહમાં જેફ બેઝોસ,લેરી પેજ અને ઝુકરબર્ગની મિલકતમાં પણ ધોવાણ.ફેડરલ રિઝર્વ વ્યાજ વધારશે એવી ચિંતામાં શેરબજાર મંદીમાં સપડાયા
અમદાવાદ : અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજનો દર વધારશે એ નિશ્ચિત થયા પછી શેરબજારમાં જે વેચવાલી જોવા મળી છે તેમાં વિશ્વના ધનિકોની સંપત્તિમાં જંગી ઘ્તાડોળ જોવા મળ્યો છે.વિશ્વના ટોચના પાંચ ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત ધનકુબેરોની સંપત્તિમાં ગત સપ્તાહમાં 67 અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ ઉપરથી જાણવા મળે છે.
અમેરિકન શેરબજારમાં ટેકનોલોજી કંપનીઓના સ્ટોક એક્સચેન્જ નાસ્ડાકનો મુખ્ય નાસ્ડાક 100 ઇન્ડેક્સ નવેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ 16764 થયા પછી સતત ઘટી રહ્યો છે અને શુકવારે 14438 બંધ રહ્યો હતો જે 13.9 ટકાનો ઘટાડો દર્શાવે છે.આ ઇન્ડેક્સની 100 કંપનીઓમાંથી 83 કંપનીઓના શેના ભાવ તા.જાન્યુઆરી પછી ઘટેલા જોવા મળી રહ્યા છે.
વિશ્વમાં સૌથી ધનિક અને ટેસ્લાના ફાઉન્ડર ઈલોન મસ્કની સંપત્તિ ગત એક જ સપ્તાહમાં 25 અબજ ડોલર ઘટી ગઈ છે.જોકે,હજુ પણ તે સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
સંપત્તિના કારણે ગત વર્ષે મસ્કે 15 અબજ ડોલરનો ટેક્સ ચૂકવવો પડયો હતો.ટીવટર ઉપર લોકોની સહમતિ મેળવી તેમણે 10 ટકા શેર વેચ્યા પછી તેમની સંપત્તિમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સંપત્તિ 20 અબજ ડોલર ઘટી ગઈ છે.
ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ 10.4 અબજ ડોલર,ગુગલના લેરી પેજની 7.6 અબજ ડોલર અને બીલ ગેટ્સની સંપત્તિમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે.ક્રીપ્ટોકરન્સીમાં આવેલા જોરદાર કડાકાના કારણે બીનાન્સ નામની કરન્સીના ફાઉન્ડર ચેંગપેંગ ઝાહોની સંપત્તિમાં 17.7 અબજ ડોલરનો જંગી ઘટડો જોવા મળ્યો છે.