રાજ્યની વિકાસયાત્રાને વધુ આગળ ધપાવવા ઝડપી, સુરક્ષીત અને સલામત વાહન વ્યવહાર ખુબ જ જરૂરી છે. લોક જાગૃતિ તેમજ રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન થકી ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અકસ્માતની સંખ્યામાં 9.18%નો ઘટાડો નોંધાયો છે તેમ વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ વિધાનસભા ગૃહમાં વિભાગની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં આજેવાહન વ્યવહાર વિભાગની રૂા.633.19 કરોડની માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતુ અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ બે મુખ્ય આધારસ્તંભ છે. આ બંન્ને એકમો દ્વારા રાજ્યમાં વાહનની નોંધણી, લાયસન્સ, માર્ગ સલામતી અને સામાન્ય માણસને અવર-જવરની સલામત અને સુવિધાયુક્ત પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવે છે. રાજ્યના 99.60% વિસ્તારમાં 8,490 થી વધારે બસો દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફરોને સસ્તા દરે સુરક્ષીત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવીને સાચા અર્થેમાં “એસ.ટી અમારી સલામત સવારી” ના ધ્યેય મંત્રને ચરીતાર્થ કરવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, જે ગુજરાતની પરીશ્રમશીલ જનતાના પુરુષાર્થ અને સમૃધ્ધિના પરિણામે તેમાં વધારો થઇને તે સંખ્યા આજે 2.65 કરોડ સુધી પહોંચી છે. જે રાજ્યના સુદ્રઢ પરિવહન માળખા અને સારી ગુણવત્તાવાળા માર્ગોને આભારી છે. પારદર્શી અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબુદ કરવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આ તમામ ચેકપોસ્ટ નાબુદ કરવા છતાં છેલ્લા 4 માસમાં રૂા.100 કરોડની આવક પ્રાપ્ત થઇ છે એટલે કે આ આવકમાં 10.51%નો વધારો થયો છે તેમ મંત્રી આર.સી.ફળદુએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને નવા લાયસન્સ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યને 36 આરટીઓ કચેરીઓના ઉપરાંત ગુજરાતની 221 આઇટીઆઇ અને 29 પોલીટેકનીક ઉપરથી લર્નીંગ લાઈસન્સની કામગીરી શરૂ કરી છે. વર્ષોથી લોકોને લર્નીંગ લાઈસન્સ માટે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતાં હતા. તે સેવા તાલુકા કક્ષાએ અપાતાં જનતાને રાહત મળી છે. ફેબ્રુઆરી –2020ના અંત સુધીમાં આઇટીઆઇ અને પોલીટેકનીકોમાંથી 1.23 લાખ લર્નીંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે અમારી સરકારે નિયમોના ભંગ બદલ વાહન ચાલકોને મેમો આપવાની કામગીરી ડિજિટલાઇઝ કરી છે. અગાઉ વર્ષો સુધી આ કામગીરી મેન્યુઅલ પધ્ધતિથી કરવામાં આવતી હતી. આજે પોઈન્ટ ઓફ સેલ (પી.ઓ.એસ) મશીન દ્વારા ઇ-ચલણ બને છે. ઓનલાઈન ઇ-ચલણ મેમોના નાણાં ગમે ત્યારે ગમે ત્યાંથી ભરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અમે અરજદારની હાજરી વગર-ઓન લાઇન પૂરી પાડવામાં આવેલી વધારાની વાહન અને લાયસન્સ સંબંધી નવી સાત સેવાઓ ઉપલબ્ધ કરાવી છે જેમાં ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુયલ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ સંબધી માહિતી અને વાહન સંબંધી સેવાઓ જેવી કે, વાહન લોન મુક્તિ, ડુપ્લીકેટ આર.સી બુક સંલગ્ન સેવાઓનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી –2020 અંતર્ગત વાહનને લગતી સેવાની 1.40 લાખ અરજીઓ પૈકી 1.22 લાખ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈસન્સ સંબંધી 2.30 લાખ અરજીઓ પૈકી 2.07 લાખ અરજીઓનો પણ હકારાત્મક ઉકેલ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના 125 શહેરો હોય કે 18000થી વધુ ગામડા હોય, બેટ વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર હોય, દુર્ગમ પહાડી વિસ્તાર હોય કે છેવાડાના ગામડાના ઝૂંપડામાં રહેનારો માનવી હોય, અમારા એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના બધાજ વિસ્તારોની અંદર અમારી એસ.ટી.ની અહર્નિસ સેવા પુરી પાડવા અમે કટીબધ્ધ છીએ.
તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની અંદર પડેલી વ્યથાને પામીને ગરીબ માણસને પોતાના બાળકોના લગ્ન પ્રસંગે વાહન ભાડે લેવું હોય તો માર્કેટમાં ખુબ મોંઘા ભાવે ભાડેથી વાહન મેળવવું પડતું હતું જેના તેમને ભાડા પોષાતા ન હોય, આવા પ્રસંગે આ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની મનની ઇચ્છા, એની અંતરની ઇચ્છાને મુખ્યમંત્રીએ વાચા આપી છે અને આપણા રાજ્યની અંદર લગ્ન પ્રસંગે કે સામાજીક પ્રસંગે ગુજરાત રાજ્યની એસ.ટીની નિગમની સામાન્ય દરથી, ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને પોષાય એવા સામાન્ય દરથી બસની સુવિધા આપવાની શરૂઆત વર્ષ 2018થી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે રાજ્યના મુસાફરો બસ સ્ટેશન પર એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે, બસ પોર્ટસ વિકસાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદ, રાણીપ, વડોદરા, મકરપુરા, અડાજણ, મહેસાણા અને તાજેતરમાં રાજકોટ ખાતે એવા સાત બસ પોર્ટસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ 8 બસ પોર્ટસ લોકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના નાગરિકોને સુવિધાનજક બસ સ્ટેન્ડ મળે તે હેતુથી રાજ્ય સરકારની મુડીકૃત સહાયથી 132 નવા બસ સ્ટેશન મુસાફર-જનતાની સેવામાં કાર્યરત કરાયા છે. જયારે વધુ 79 બસ સ્ટેશનો અપગ્રેડ કરવામાં આવ્યા છે તેમજ 32 બસ સ્ટેશનો કામો પ્રગતિ હેઠળ છે. આ સિવાય વધુ 31 બસ સ્ટેશનોના ખાત મુર્હુત પણ કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે રાહતદરે ગ્રુપ બૂકિંગ યોજનાના મુખ્યમંત્રીના સંવેદનશીલ નિર્ણયનો રાજ્યમાં પરિણામલક્ષી અમલ થઈ રહ્યો છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમની તમામ બસોને GPS સિસ્ટમથી સાંકળી લેવામાં આવી છે જેનું વિભાગીય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે થી 24 કલાક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુસાફરોને મોબાઈલ એપ દ્વારા કે વેબસાઇટ દ્વારા ટીકીટ બુકીંગ કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે એટલુ જ નહી ઓન લાઇન ટીકીટ બુક કરાવનાર મુસાફરોને 8 થી 10% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની નેતૃત્વવાળી સરકાર સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર છે. જેના ભાગરૂપે ગંભીર બીમારી, અંધજન, દિવ્યાંગો તેમજ વિદ્યાર્થીઓને રાહત દરે/વિનામુલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના માર્ગ સલામતી અંગેના ચોક્કસ આયોજન થકી રોડ સેફ્ટી માટે 2018-19માં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ ગુજરાતને મળ્યો છે. આ ઉપરાંત GEM પોર્ટલ ઉપર સૌથી વધુ પારદર્શક ખરીદી કરવા માટે ગુજરાત એસ.ટી. નિગમને એવોર્ડ પણ સન્માનીત કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. અમારા ત્રણેય વિભાગ ગુજરાતના ખેડૂતો, ગ્રામિણ પ્રજાજનો તથા ગુજરાતની આમ જનતાની સેવામાં પુરી કાળજી અને નિષ્ઠા સાથે જવાબદારી સંભાળી રહ્યા છીએ જેના પરિણામે આજે ગુજરાતમાં પ્રતિવર્ષ અકસ્માતનું પ્રમાણ ઘટી રહ્યું છે તેની સાથે શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ રાજ્યના મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેમ પણ તેમણે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.


