પોલીસ આવે કે કલેક્ટર કોઇના દબાણો નહીં તૂટે : મધુ શ્રીવાસ્તવનો હુંકાર

272

– મેં પૈસો લીધો નથી કે ભ્રષ્ટાચાર કર્યો નથી
– જરોદ ગામમાં દબાણ દૂર કરવાની નોટિસ મળતાં મધુ શ્રીવાસ્તવે ખાતરી આપી કે ‘હું ધારૂં એ કરી શકું છું’

ગાંધીનગર : વાઘોડિયા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દબાણ કરનારા વેપારીઓ કહ્યું છે કે – પોલીસ આવે કે કલેક્ટર, હું કોઇના દબાણ તૂટવા નહીં દઉં. હું ધારૂં એ કરી શકું છું.કોઇની તાકાત નથી કે દબાણો હટાવી શકે.

વાઘોડિયાના જરોદ ગામમાં દબાણ દૂર કરવાની નોટીસની મુદ્દત પૂર્ણ થતાં કેટલાક દબાણકર્તા વેપારીઓ મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે આ પ્રમાણેનું નિવેદન કર્યું હતું. ભાજપમાં આ ધારાસભ્ય દબંગાઇ કરવામાં મશહૂર છે.તેઓ તેમની વાણી અને વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે.તેમના મતવિસ્તારના તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.આવી જ એક ઝૂંબેશ જરોદ ગામમાં થવાની છે ત્યારે ગામના કેટલાક વેપારીઓ નોટીસની સાત દિવસની અવધિ પૂર્ણ થતાં તેઓ ધારાસભ્યને રજૂઆત કરી તેમના દબાણ યથાવત રાખવાની વિનંતી કરવા ગયા હતા.

વેપારીઓની રજૂઆત બાદ તેમણે આશ્વાસન આપી ધારાસભ્યની તાકાત બતાવતાં કહ્યું હતું કે હું ધારાસભ્ય છું.ધારાસભ્ય ધારે એ કરી શકે છે. તમારા દ્વારા તમારા સહકારથી હું ધારાસભ્ય બન્યો છું ત્યારે હું મારૂં કર્તવ્ય નિભાવવાનો પ્રયાસ કરીશ.કોઇનું દબાણ નહીં તૂટે તેની હું ખાત્રી આપું છું.

પોલીસ આવે કે અધિકારી આવે. તાલુકાવાળા આવે કે જિલ્લાવાળા… એકવાર મેં કહી દીધું એટલે વાત પતી ગઇ છે.મધુ શ્રીવાસ્તવે તેમના વિરોધીઓને આડે હાથ લઇ એવું પણ કહ્યું હતું કે ધારેલા કામ કરી શકે તેને ધારાસભ્ય કહેવાય છે.મેં કોઇની પાસેથી પૈસો લીધો નથી.કોઇ ભ્રષ્ટાચાર કર્યો નથી.

કોઇ ટકાવારી લીધી નથી એટલે છ વખત ચૂંટણી જીત્યો છું.લોકોના સુખ અને દુ:ખમાં ભાગીદાર બન્યો છું.આજકાલનો આવેલો કોઇ કહે કે હું ટિકીટ લઇ આવીશ પરંતુ તે શક્ય નથી.પાર્ટી માટે બલિદાન આપ્યું હોય કે પાર્ટી પ્રત્યે વફાદારી બતાવી હોય તેને પાર્ટી સ્વિકારે છે.

વાઘોડિયાને નગરપાલિકાનો દરજ્જો મળે તે પહેલાં વહીવટી તંત્રએ વિકાસ અને માર્ગના આડે આવતા દબાણો હટાવવા માટે વેપારીઓને નોટીસ આપી હતી અને આ નોટીસની મુદ્દત પૂર્ણ થતાં વેપારીઓ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવા ગયા હતા.મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ત્રાહિત વ્યક્તિએ નોટીસ આપી છે પરંતુ વેપારીઓની દુકાનો દબાણમાં આવતી નથી.ગ્રામ પંચાયતે નોટીસ આપી નથી એટલે આ જેને દબાણ કહેવાય છે તે નહીં તૂટે, અને જો તોડવાનો પ્રયાસ કરાશે તો પહેલું બુલડોઝર મારી પર ફરશે.

Share Now