BCCI તૈયાર કરી રહ્યુ છે ક્રિકેટનુ નવુ હબ, સૌરવ ગાંગુલી-જય શાહે નાખ્યો નવી NCAનો પાયો

256

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2022 સોમવાર : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બેંગલુરુમાં પોતાની નવી નેશનલ ક્રિકેટ અકાદમી ખોલવા જઈ રહ્યુ છે.સોમવારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી,સચિવ જય શાહ અને NCA ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણની હાજરીમાં આનો પાયો નાખવામાં આવ્યો છે.

હજુ પણ બેંગલુરુમાં જ નેશનલ ક્રિકેટ અકાદમી છે પરંતુ હવે આને નવુ અને ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યુ છે.જય શાહે સોમવારે ટ્વીટ કરી કે બીસીસીઆઈના નવા એનસીએનો પાયો નાખવામાં આવ્યો છે. અમારુ વિઝન છે કે એક એવુ સેન્ટર તૈયાર કરવામાં આવે જ્યાં ટેલેન્ટને નિખારવામાં આવે અને ક્રિકેટ ઈકોસિસ્ટમ બને.

તાજેતરમાં જ બીસીસીઆઈએ એનસીએના ડાયરેક્ટર તરીકે પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણની નિયુક્તિ કરી હતી.વીવીએસ લક્ષ્મણ પહેલા રાહુલ દ્રવિડ એનસીએના ડાયરેક્ટર હતા,જે અત્યારે ટીમ ઈન્ડિયાના કોચ છે.જો નવા એનસીએની વાત કરીએ તો આ વખતે આ ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યુ છે.જેની પર 40 પ્રેક્ટિસ પિચ, 20થી વધારે ફ્લડ લાઈટ ફેસિલિટી, લગભગ 250 રૂમ અને 16 હજાર સ્કવેર ફૂટનુ જિમ બનાવવામાં આવી રહ્યુ છે.

આ વખતે એનસીએમાં ક્રિકેટ સિવાય અલગ-અલગ રમત માટે પણ તૈયારીઓ કરવામાં આવશે.જેથી અહીં આવનાર ખેલાડીઓને કોઈ પ્રકારની પરેશાની ના થાય. 40 એકરમાં તૈયાર થઈ રહેલા આ એનસીએમાં બેન્ક,એટીએમ,શોપિંગ સેન્ટર સહિત અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડી,દેશમાં અલગ-અલગ રાજ્યોની ટીમમાં રમનાર ખેલાડી,જુનિયર લેવલના તમામ ખેલાડીઓને એનસીએમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે.જો ટીમ ઈન્ડિયાના કોઈ પ્લેયર ઈજા બાદ ટીમમાં પાછા ફરી રહ્યા છે તો તેમનો અહીં કેટલાક સમય સુધી ટ્રેનિંગ કરવી,ટેસ્ટમાં પાસ થવુ જરૂરી છે.

Share Now