NSA અજીત ડોભાલના ઘરે સુરક્ષામાં ચૂક : ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર શખ્સે કહ્યુ, મને રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે

209

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2022 બુધવાર : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઘરમાં એક શખ્સે ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો છે.મળતી માહિતી અનુસાર શખ્સે સવારે લગભગ 7 વાગીને 45 મિનિટે કાર લઈને અજીત ડોભાલના ઘરે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ યોગ્ય સમય પર તે શખ્સને રોકીને ધરપકડ કરી લીધી.શરૂઆતી તપાસમાં શખ્સ માનસિક રીતે પરેશાન લાગી રહ્યો છે.હાલ પૂછપરછ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર,પકડાયા બાદ તે વ્યક્તિ થોડો બડબડ કરી રહ્યો હતો.તે કહી રહ્યો હતો કે તેની બોડીમાં કોઈએ ચિપ લગાવી દીધી છે અને તેને રિમોટથી કંટ્રોલ કરવામાં આવી રહ્યો છે.જોકે, તપાસમાં તેમની બોડીમાંથી કોઈ ચિપ મળી નહીં.NSA અજીત ડોભાલની સુરક્ષા CISF કરે છે.તેમને ગૃહ મંત્રાલય તરફથી Z+ કેટેગરીની સુરક્ષા મળી છે.

ધરપકડ કરાયેલો શખ્સ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે.તેમનુ નામ શાંતનુ રેડ્ડી છે.તેઓ નોઈડાથી રેડ કલરની SUV કાર ભાડે લઈને અજીત ડોભાલના ઘરે પહોંચ્યા હતા.કારને અંદર ઘૂસાડવાનો પ્રયત્ન દરમિયાન રેડ્ડીને પકડી લેવાયા.હાલ પોલીસ એ તપાસ કરી રહી કે ત્યાં આવવા પાછળ શાંતનુ રેડ્ડીનો હેતુ શુ હતો.

આતંકીઓના નિશાને રહે છે ભારતના ‘જેમ્સ બોન્ડ’

ભારતના ‘જેમ્સ બોન્ડ’ કહેવાતા અજીત ડોભાલ પાકિસ્તાન અને ચીનની આંખોમાં કાંટાની જેમ ખૂચે છે.અજીત ડોભાલ કેટલાક આતંકી સંગઠનોના નિશાન પર પણ છે.ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીની પાસેથી અજીત ડોભાલના ઓફિસની રેકીનો વીડિયો મળ્યો હતો.આ વીડિયોને આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો.જે બાદ અજીત ડોભાલની સુરક્ષાને વધારી દેવાઈ હતી.

Share Now