બોલી કે સાંભળી ન શકતાં લોકો માટે 20 વર્ષીય વિદ્યાર્થીનીએ બનાવ્યું AI Model

185

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : જે લોકો બોલી કે સાંભળી નથી શકતાં તેમના માટે આ જીવન કેટલું પડકારભર્યું હશે તે આપણે વિચારી પણ ન શકીએ. જોકે દિલ્હીમાં રહેતી એન્જિનિયરીંગની વિદ્યાર્થીની પ્રિયાંજલી ગુપ્તાએ આ પડકાર અંગે વિચારવાથી આગળ વધીને તેમના માટે કશુંક કરવાનો નિર્ણય લીધો હતો.ત્યાર બાદ તેણે AI મોડલ બનાવ્યું જે ઈશારાઓને સમજી શકે છે.

તમિલનાડુની વેલોર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે અભ્યાસ કરી રહેલી પ્રિયાંજલીના માતા દિલ્હી યુનિવર્સિટીમાં લેક્ચરર છે અને પિતા સ્પાઈસ જેટમાં કાર્યરત છે.એક દિવસ પ્રિયાંજલી દિલ્હી પોતાના ઘરે ગઈ હતી ત્યારે તેના માતાએ ‘આજકાલ લોકો આટલા સ્ટાર્ટઅપ કરે છે,ઈનોવેશન કરે છે,તું પણ એન્જિનિયરીંગની વિદ્યાર્થીની છે તો કશુંક કર’ એમ કહ્યું હતું.

ત્યાર બાદ એક દિવસ તેનું ધ્યાન એલેક્સા પર ગયું જે બોલવા પર કમાન્ડ લે છે.તે જોઈને પ્રિયાંજલીએ વિચાર્યું કે,જે લોકો બોલી કે સાંભળી નથી શકતા તેમના માટે આ ડિવાઈસ કશા કામનું નથી.આમ તેને AI મોડલ બનાવવાનો વિચાર આવ્યો અને તેણે તેના પર કામ શરૂ કર્યું.

આ માટે તેણે કોમ્પ્યુટર વિઝનનો અભ્યાસ કર્યો અને ઈન્ટરનેટ પરથી પણ માહિતી મેળવી.કોઈના પણ ગાઈડન્સ વગર તેણે જાતે જ મહેનત કરી અને આખરે તેની મહેનત રંગ લાવી.પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયા બાદ સતત 3 રાતો જાગીને તેણે આ મોડલને ફાઈનલ સ્ટેજ પર પહોંચાડ્યુ હતું.

6 સાઈન સમજી શકે છે મોડલ

સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્લેટફોર્મ Github પર પોતાની પોસ્ટમાં પ્રિયાંજલીએ જણાવ્યું કે, આ AI મોડલ સાથે સંકળાયેલો ડેટા મેન્યુઅલી બનાવવામાં આવ્યો છે. તેને Tensorflow Object detection APIની મદદથી બનાવવામાં આવ્યું છે. તેમાં વેબકેમ દ્વારા AI મોડલ સાઈન લેન્ગવેજ (ASL)ની ઈમેજ કલેક્ટ કરીને તેના પર પ્રતિક્રિયા લે છે.

Share Now