(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦ : રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ ૯ મહિનામાં ૧.૭૮ કરોડથી વધારે ટિકિટ વગરના યાત્રીઓ અને સામાનની બુકિંગ કરાવ્યા વગર યાત્રા કરનારાઓને પકડયા હતાં.ઉલ્લેખનીય છે કે નોન કોવિડ વર્ષ ૨૦૧૯-૨૦ની સરખામણીમાં આવા યાત્રીઓનું પ્રમાણ ૭૯ ટકા વધારે છે.માહિતીનો અધિકાર(આરટીઆઇ) હેઠળ પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં રેલવેએ આ માહિતી આપી હતી.
કોરોના અસરગ્રસ્ત નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આવા યાત્રીઓની સંખ્યા ૨૭ લાખ હતી.મધ્ય પ્રદેશના એક કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલ આરટીઆઇ હેઠળ રેલવે બોર્ડ દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આરટીઆઇ હેઠળ રેલવેએ આપેલી માહિતી મુજબ એપ્રિલથી ડિસેમ્બર,૨૦૨૧ સુધીના સમયગાળામાં ૧.૭૮ કરડોથી વધારે લોેકો ટિકિટ વગર અને સામાનનું બુકિંગ કરાવ્યા વગર પકડાયા હતાં.તેંમની પાસેથી દંડ પેટે ૧૦૧૭.૪૮ કરોડ રૃપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટ વગરના યાત્રીઓની સંખ્યા વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વર્તમાન સમયમાં જ્યારે મોટા ભાગના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે ત્યારે અનેક એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં ફક્ત ઓનલાઇન બુકિંગ અને મર્યાદિત સેવાઓમાં જ ઉપલબ્ધ છે.
નોન કોવિડ વર્ષ ૨૦૧૯-૨૦માં ટિકિટ વગરના ૧.૧૦ કરોડ લોેકો પકડાયા હતાં અને તેમની પાસેથી કુલ ૫૬૧.૭૩ કરોડ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
એપ્રિલ,૨૦૨૦થી માર્ચ,૨૦૨૧ દરમિયાન ૨૭.૫૭ લાખ લોકો ટિકિટ વગર પકડાયા હતાં અને તેમની પાસેથી ૧૪૩.૮૨ કરોડ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.