હરિયાણા, તા. 21 ફેબ્રુઆરી, 2022 : કોરોના મહામારીએ સૌથી ખરાબ અસર આજકાલના નાના ભૂલકાંઓના ભવિષ્ય ઉપર કરી છે.બાળકોના શરૂઆતી ભણતરનો પાયો કાચો રહી ગયો હોવાની અનેક ફરિયાદો માતાપિતા અને શિક્ષકો દ્વારા મળી રહી છે તેવામાં સરકારે વધુ એક આંચકાદાયક નિર્ણય કર્યો છે.
સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થયને ધ્યાનમાં લઈને આ વર્ષે પરીક્ષા ટાળવાનો નિર્ણય લીધો છે.પાંચમા અને આઠમા ધોરણમાં પરીક્ષા ટાળવાનો નિર્ણય સરકારે લીધો છે.
મુખ્યમંત્રીએ કરેલ જાહેરાત અનુસાર ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા એક વર્ષ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.સીએમ મનોહરલાલ ખટ્ટરે સરકારના નિર્ણય અંગેની જાણકારી આપી છે.
હરિયાણામાં ધોરણ 5 અને 8માં પણ બોર્ડ સ્તરની પરીક્ષા લેવાય છે.આ બોર્ડ પરીક્ષા હવે આગામી વર્ષથી રાબેતા મુજબ લેવાશે.સીબીએસઈ અને હરિયાણા બોર્ડ બંનેની પરીક્ષા ટાળવાનો સરકારે નિર્ણય લીધો છે.
જોકે આપને જણાવી દઈએ કે હરિયાણા સરકારની નવી શિક્ષા નીતિ અંતર્ગત નિયમ અનુસાર ધોરણ 5 અને ધોરણ 8મા પણ બોર્ડ દ્વારા જ પરીક્ષા લેવી ફરજિયાત છે પરંતુ બાળકોમાં આ વર્ષે કોરોનાની બીજી અને ત્રીજી લહેરને પગલે ભણતરમાં પડેલ વિક્ષેપ,ડિજિટલ શિક્ષણનો ઓછો વ્યાપ અને અન્ય કારણોસર ચાલુ વર્ષે બોર્ડ દ્વારા નહિ પરંતુ સ્કૂલ દ્વારા વ્યકતિગત સ્તરે જ પરીક્ષા લેવાનો આદેશ કરવામાં આવ્યો છે એટલેકે પરીક્ષા તો લેવાશે પરંતુ બોર્ડની પરીક્ષા નહિ હોય,સ્કૂલ પોતાની રીતે જ પરીક્ષા લેશે.