અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર : યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત સહિતના વિશ્વબજારમાં જોવા મળી રહી છે.SGX નિફ્ટીના સંકેતો અનુસાર જ બેંચમાર્ક ઇન્ડાયસિસ 2 ટકાથી વધુના કડાકે ખુલ્યા છે.બીએસઇ સેન્સેકસ 1250 અંક નીચે 58430ના લેવલે અને નિફટી50 360 અંક નીચે 16845ના સ્તરે જોવા મળી રહ્યા છે.
બ્રોડર માર્કેટમાં વધુ ખાનાખરાબી જોવા મળી રહી છે.બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.87 ટકા,440 અંક તૂટયો છે ત્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 600 અંક,2.25 ટકા તૂટ્યો છે.શરૂઆતી તબક્કામાં બીએસઇ ખાતે 2110 ઘટનારા શેરની સામે માત્ર 300 શેર જ વધીને કામકાજ કરી રહ્યાં છે.148 શેરમાં આજે 52 સપ્તાહનું નવું તળિયું જોવા મળી રહ્યું છે.
HDFCમાં 1730 કરોડની બ્લોકડીલ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડમાં મંગળવારે સવારના સત્રમાં જ મોટી બ્લોકડીલ જોવા મળી છે.આ સોદામાં 71 લાખ શેરનો હાથ બદલો થયો છે જેનું કુલ મૂલ્ય 1730 કરોડ રૂપિયા હતુ.જોકે આ શેર કોણે વેચ્યા અને કોણે ખરીદ્યા તેની માહિતી જાહેર નથી થઇ.
યુક્રેન કટોકટી વકરી: ક્રૂડ ઓઇલ ઉછળ્યું,શેરમાં કડાકો
યુરોપમાં યુક્રેન ઉપર સંભવિત હુમલો થવાની વધી ગયેલી શક્યતા તેમજ યુક્રેનના એક પ્રાંતને રશિયાએ આપેલી માન્યતા વચ્ચે યુદ્ધની ભીતિ વધી છે.યુધ્ધ જોખમ વધી જતાં પુરવઠો ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઇલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે.બીજી તરફ એશીયાઇ શેરબજરોમાં કડાકો બોલી ગયો છે.જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ 600 પોઇન્ટ,હોંગકોંગમાં હેંગ સેંગ 727 પોઇન્ટ,દક્ષિણ કોરિયામાં કોસ્પી 60 પોઇન્ટ તૂટયા છે.
ભારતમાં શેરબજરમાં ઘટાડો જોવા મળે એવી શક્યતા છે કારણ કે સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ 218 પોઇન્ટ ઘટેલો છે.