નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : ભારતે યુએસ પાસેથી ખરીદવાના 30 ડ્રાઈવર વિનાના પ્રિડેટર ડ્રોન (30 Predator armed drones) ખરીદવાની યોજના લગભગ રદ કરી દીધી છે. એચ.ટીની ખબરમાં દાવો કરવામાં આવ્યો છે કે,ભારતીય સેના માટે ખરીદવામાં આવનાર 3 અરબ ડોલરની યોજનાને પડતી મૂકવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સબંધે અમેરિકી રક્ષામંત્રાલય પેંટાગનને સૂચના આપી દેવામાં આવી છે.ભારત હવે દરેક પ્રકારના હથિયારો અને સરંક્ષણ સાધનોનું નિર્માણ અને વિકાસ હવે સ્વદેશી ટેકનોલોજી પર જ કરવા માંગે છે.આ જ કારણ છે કે,અમેરિકાની સાથે 3 અરબ ડોલરનો આ કરાર એક રીતે રદ જ થઈ ચૂક્યો છે.
પ્રિડેટર ડ્રોન સરહદી વિસ્તારોમાં દુશ્મનની નાપાક ગતિવિધિઓનું જાસૂસી કરે છે અને ગુપ્ત માહિતી એકત્ર કરીને દુશ્મનના સ્થાનો પર હુમલો પણ કરી શકે છે.આ ડ્રોન 35 કલાક સુધી આકાશમાં રિકોનિસન્સ કરવામાં સક્ષમ છે.હાલમાં જ 3 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીની સરકારે ડ્રોનની આયાત માનવ વિનાના વાહનો એટલે કે,યૂએવીના અધિગ્રહણ પર પાબંધી લગાવી દીધી હતી. જોકે,આ પ્રતિબંધમાં સુરક્ષા ઉદ્દેશો માટે માનવ રહિત હવાઈ વાહનોના અધિગ્રહણ માટે છૂટ આપવામાં આવી હતી તો પણ એને અધિગ્રહણ માટે વિશેષ મંજૂરીની આવશ્યકતા છે. સંરક્ષણ મંત્રાલયના એક ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,હાલના તબક્કે આ ડીલને રદ્દ જ ગણવી.


