અમદાવાદમાં ફિનલેન્ડ તેમજ યુએસથી આવેલી બે મહિલાઓને અને વડોદરામાં સ્પેનથી આવેલા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
રાજ્ય સરકારના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં પોઝિટીવ કેસની માહિતી આપી
અમદાવાદ
કોરોના મહામારીએ હવે ગુજરાતને બાનમાં લીધું છે અને ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ છે. ગુરુવારે સુરત તેમજ રાજકોટમાં એક-એક પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદમાં બે અને વડોદરામાં એક નવો કેસ સામે આવ્યો હોવાની માહિતી અગ્ર સચિવ જયંતિ રવિએ આપી છે. સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપવામાં આવી હતી. શુક્રવારે અગ્ર સચિવે જણાવ્યું કે, અમદાવાદમાં ફિનલેન્ડથી આવેલી મહિલા તેમજ અમેરિકાથી આવેલી એક યુવતીને કોરોના પોઝિટીવ હોવાનું જણાયું છે જ્યારે વડોદરામાં સ્પેનથી આવેલા યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તમામને આઈસોલેટમાં ખસેડવામાં આવ્યા છે અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોને કોને મળ્યા તેની ચકાસણી કરી રાજ્ય સરકાર આગાળના પગલાં લઈ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટીવ કેસના દર્દીઓની ઉંમર 36 વર્ષથી ઓછી હોવાનું અગ્ર સચિવે જણાવ્યું હતું.
ગુરુવારે કોરોનાના કુલ બે દર્દીઓ નોંધાયા હતા જેમાં સાઉદીમાં મક્કાથી આવેલા રાજકોટના જંગલેશ્વરના યુવકનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો તેમજ યુકેથી આવેલી સુરતની મહિલાને પણ કોરોના પોઝિટીવ જણાયો હતો. અગ્ર સચિવ જયંતિ રવિએ લોકોને અપીલ કરી છે કે ગુજરાતમાં તેમની આસપાસમાં રહેતા લોકો જો તાજેતરમાં વિદેશથી આવ્યા હોય તો તેમનાથી દૂર અંતર રાખે. લોકો માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ વધુ કરે જેથી ચેપ લાગવાની સંભાવના ઓછી રહે. સરકાર દ્વારા ચેપને ફેલાતો અટકાવવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.
રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ આજરોજ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ગુજરાતના લોકોએ ગભરાવાની જરૂર નથી. અકારણ કોઈએ બહાર નિકળવું જોઈએ નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જનતા કર્ફ્યૂની જાહેરાત કરી છે તેનું સૌએ પાલન કરવું જોઈએ. ગુજરાત સરકાર કોરોના મહામારીને નાથવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું. લોકોએ ગભરાટમાં આવવું નહીં તેમજ ખોટી અફવાહો ફેલાવવાથી દૂર રહેવું.