ચંદ્રયાન-2ના ઓર્બિટરે સૌર જ્વાળાઓનાં તોફાન અને સૂર્યનો પ્રચંડ ખળભળાટ રેકોર્ડ કર્યાં

187

– ઇસરોની વધુ એક વિજ્ઞાાન સિદ્ધિ

– ઓર્બિટરના લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટોમીટરની ઉત્તમ કામગીરી

મુંબઇ : ભારતના ચંદ્રયાન-૨નું ઓર્બિટર છેલ્લાં ત્રણ વરસથી ઉત્તમ કામગીરી કરી રહ્યું છે.ભારતની અંતરીક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-૨ના ઓર્બિટરમાંનાં લાર્જ એરિયા સોફ્ટ એક્સ-રે સ્પેક્ટોમીટર (સી.એલ.એ.એસ.એસ.-ક્લાસ) નામના વૈજ્ઞાાનિક ઉપકરણે સોલાર પ્રોટોન ઇવેન્ટ્સની ગતિવિધિની નોંધ લીધી છે.

ઇસરોનાં સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે ક્લાસ ઉપકરણે ગઇ,૧૮,જાન્યુઆરીએ સૂર્યમાં થતી કોરોનલ માસ ઇજેક્શન્સ(સી.એમ.ઇ.એસ.) પ્રક્રિયા પણ રેકોર્ડ કરી હતી. કોરોનલ માસ ઇજેક્શન એટલે સૂર્યમાં ભયંકર ખળભળાટ થાય ત્યારે તેની બાહ્ય સપાટી(જેને કોરોના કહેવાય છે)માંથી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનાં તોફાનો સર્જાય છે.સાથોસાથ તેમાંથી ભારે વિનાશક સૌર જ્વાળાઓ પણ આખા અંતરીક્ષમાં ફેંકાય છે.

સૂર્યનારાયણનાં આવાં વિદ્યુત ચુંબકીય તોફાનો અને સૌર જ્વાળાઓ છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય ત્યારે પૃથ્વીના બંને ધુ્રવ પ્રદેશમા અરોરા લાઇટ્સના સુંદર અને મનોહર રંગબેરંગી પટ્ટા સર્જાય છે.આકાશમાંથી જાણે કે લાલ, ભૂરા,લીલા અને પીળા રંગના વિશાળ પટ્ટા ઉતરતા હોય તેવાં અદભૂત દ્રશ્ય સર્જાય.

ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટી.આઇ.એફ.આર.-મુંબઇ)ના નિવૃત્ત સિનિયર ખગોળશાસ્ત્રી ડો.મયંક વાહિયાએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે સોલાર પ્રોટોન ઇવેન્ટસ એટલે સૂર્યની ભયંકર જ્વાળાઓમાંનાં વિદ્યુતભારવાહી પદાર્થ કણોનું તોફાન.સૂરજનાં આવાં વિદ્યુતભારવાહી પદાર્થ કણોમાં અસહ્ય કિરણોત્સર્ગ(રેડિયેશન) હોય.આ કિરણોત્સર્ગ એટલું જોખમી હોય કે અવકાશયાત્રીઓએ પહેરેલા સુરક્ષાકવચ જેવા આધુનિક સ્પેસ શ્યુટમાં પણ છીદ્રો પાડી દે. પરિણામે અવકાશયાત્રીઓ માટે જીવનું જોખમ સર્જાય. ઉપરાંત આ રેડિયેશન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને ભારે ખાનાખરાબી પણ સર્જી શકે.સાથોસાથ અંતરીક્ષમાં ઘૂમતા સેટેલાઇટ્સને વેરવિખેર કરી નાખે અને તેનો નાશ પણ કરી નાખે.

સૌર જ્વાળાઓ અતિ શક્તિશાળી અને વિનાશક હોય. ખગોળશાસ્ત્રીઓએ તેમના ગહન સંશોધન અને અભ્યાસના આધારે આવી સૌર જ્વાળાઓને તેની શક્તિ મુજબ વિવિધ શ્રેણીમાં મૂકીને તેની વ્યાખ્યા કરી છે.ઉદાહરણરૂપે સૂર્યની સૌથી નાની અને સૌથી ઓછી શક્તિવાળી જ્વાળાને એ વર્ગમાં મૂકી છે.ત્યારબાદ બી,સી,એમ,એક્સ વગેરે કક્ષાની સૌર જ્વાળાઓ હોય છે.આ દરેક સૌર જ્વાળાની વિનાશક શક્તિ તેની કક્ષા મુજબ ૧૦ ગણી વધુ હોય છે.સરળ રીતે સમજીએ તો એમ કક્ષાની સૌર જ્વાળા સી કક્ષાની સૌર જ્વાળા કરતાં ૧૦ ગણી અને બી કક્ષાની સૌર જ્વાળા કરતાં વધુ શક્તિશાળી અને વિનાશક હોય છે.

Share Now