અમેરિકાએ ક્રૂડ-ગેસ જર્મનીને વેચવા યુક્રેનને ‘બલિનો બકરો’ બનાવ્યો

427

વોશિંગ્ટન, તા. ૨૫ : રશિયાના આક્રમણે યુક્રેનમાં ભારે વિનાશ વેર્યો છે.યુક્રેને શક્તિશાળી રશિયા સામે દુનિયા સમક્ષ મદદની માગણી કરી હતી,પરંતુ વાસ્તવિક રીતે કોઈપણ દેશ યુક્રેનની મદદ માટે સામે આવ્યો નહીં.હવે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા તથા નાટોની ભૂમિકા સામે સવાલો ઊઠવા લાગ્યા છે.રશિયાએ યુદ્ધ શરૂ કરતાં જ સૈન્ય મદદની ખાતરી આપનારા અમેરિકા-નાટોએ યુક્રેનને એકલું છોડી દીધું.
યુક્રેન પર આક્રમણ કરીને રશિયા તેના ઈરાદાઓમાં સફળ થતું હોવાનું જોવા મળી રહ્યું છે.એવામાં અમેરિકા અને નાટોની ભૂમિકા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.યુક્રેન અમેરિકા અને નાટોની મદદની ખાતરીથી રશિયા સામે બાથ ભીડવા તૈયાર થયું હતું.નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકાએ હકીકતમાં સમયે સમયે રશિયાને યુક્રેન પર હુમલા માટે ઉશ્કેરવાનું કામ કર્યું છે અને બીજીબાજુ તે યુક્રેનને મદદ કરવાનું વચન આપતું રહ્યું.
નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાની ભૂમિકા પાછળ હકીકતમાં ક્રૂડ અને ગેસનો વેપાર કારણભૂત છે.ભૂતપૂર્વ રાજદૂત રાજીવ ડોગરાએ જણાવ્યું કે લગભગ બે મહિના પહેલાં બાઈડેને એક નિવેદનમાં કહ્યું હતું કે રશિયા યુક્રેનની થોડી જમીન લઈ લે તો પણ અમેરિકાને કોઈ ફરક નથી પડતો.વધુમાં અમેરિકા છેલ્લા કેટલાક દિવસથી સતત યુદ્ધ અંગે ભવિષ્યવાણી કરીને રશિયાને ઉશ્કેરવાનું કામ કરતું હતું. અંતે રશિયાએ આક્રમણ કરતાં અમેરિકા અને પશ્ચિમી દેશોએ હાથ ઊંચા કરી દીધા.
વર્તમાન પ્રતિબંધોના સંદર્ભમાં જોઈએ તો અમેરિકા રશિયાને સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (સ્વિફ્ટ)માંથી દૂર કરવા માગે છે.પરંતુ ઈટાલી અને જર્મની તેનો વિરોધ કરી રહ્યા છે.વધુમાં અમેરિકા પાસે ક્રૂડ અને ગેસનો વિપુલ ભંડાર છે.રાજીવ ડોગરાનું કહેવું છે કે અમેરિકા તેના ક્રૂડ અને ગેસ જર્મની સહિત યુરોપના દેશોને વેચવા માગે છે.પરંતુ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચના કારણે આ દેશો તૈયાર થતા નથી.બીજીબાજુ રશિયાની નોર્ડ સ્ટ્રીમ-૨ પાઈપલાઈન પ્રોજેક્ટથી જર્મની-યુરોપને ઓછી કિંમતે ક્રૂડ-ગેસ મળશે.પરંતુ હવે રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં જર્મનીએ નોર્ડસ્ટ્રીમ-૨ પ્રોજેક્ટ અટકાવી દીધો છે અને યુરોપના દેશોએ પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા છે.હવે તેઓ રશિયા પાસેથી ક્રૂડ અને ગેસની ખરીદી નહીં કરે.જેનો લાભ અમેરિકાને થવાની શક્યતા છે.

Share Now