(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૮ : જાન્યુઆરી,૨૦૨૨ માં આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં ૩.૭ ટકાનો વધારો થયો છે.ગયા વર્ષે જાન્યુઆરીમાં આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો.સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર કોલસા,કુદરતી ગેસ અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો જોવા મળતા જાન્યુઆરી,૨૦૨૨માં કોર સેક્ટરના ઉત્પાદનમાં ૩.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
જાન્યુઆરી,૨૦૨૨માં ક્રૂડ અને ખાતરના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર,૨૦૨૧માં આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં ૪.૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
એપ્રિલ,૨૦૨૧થી જાન્યુઆરી,૨૦૨૨ સુધીના સમયગાળાની વાત કરીએ તો આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ૧૧.૬ ટકા રહ્યું છે.ગયા વર્ષના આ જ સમયગાળામાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ૮.૬ ટકા રહ્યું હતું.
સરકાર દ્વારા જારી કરવામાં અઆવેલા આંકડા અનુસાર જાન્યુઆરી,૨૦૨૨માં કોલસાના ઉત્પાદનમાં ૮.૨ ટકા, કુદરતી ગેસના ઉત્પાદનમાં ૧૧.૨ ટકા,રિફાઇનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ૩.૭ ટકા અને સિમેન્ટના ઉત્પાદનમાં ૧૩.૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે આઠ કોર સેક્ટરમાં કોલસા,ક્રૂડ ઓઇલ,કુદરતી ગેસ,રિફાઇનરી પ્રોડક્ટ,ફર્ટિલાઇઝર્સ,સ્ટીલ,સિમેન્ટ અને વીજળી સેક્ટરનો સમાવેશ થાય છે.