નવી દિલ્હી, તા. 02 માર્ચ, 2022, બુધવાર : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધારેને વધારે વિકટ બની રહ્યું છે.સોમવારે બેલારૂસ ખાતે યોજાયેલી બંને દેશ વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી હતી.રશિયન સૈન્યનો 64 કિમી લાંબો કાફલો યુક્રેનની રાજધાની કીવ તરફ વધી રહ્યો છે.આ બધા વચ્ચે આંતરરાષ્ટ્રીય કોર્ટે મંગળવારે કહ્યું કે,’તે યુક્રેનમાં યુદ્ધને લઈ 7 અને 8 માર્ચના રોજ સુનાવણી કરશે કારણ કે લડાઈ તેજ થઈ ગઈ છે…’ કોર્ટે એક નિવેદનમાં કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય ન્યાયાલય, સંયુક્ત રાષ્ટ્રનું પ્રમુખ ન્યાયિક અંગ, નરસંહારના અપરાધને અટકાવવા અને સજા પર કન્વેંશન અંતર્ગત નરસંહારના આરોપોથી સંબંધીત મામલે સોમવારે 7 માર્ચ અને મંગળવારે 8 માર્ચ,2022ના રોજ સાર્વજનિક સુનાવણી કરશે…’ ઉલ્લેખનીય છે કે,આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયના અભિયોજકે પહેલેથી જ એવી જાહેરાત કરી દીધી હતી કે,તે રશિયાના આક્રમણ બાદ યુક્રેનની સ્થિતિ પર તપાસ શરૂ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ જણાવ્યું કે, 6,60,000થી પણ વધારે લોકો પહેલેથી જ વિદેશ ભાગી ગયા છે.એવા અનુમાન સાથે કે,પૂર્વ સોવિયેત યુક્રેન જેની વસ્તી 4 કરોડ 40 લાખ હતી તેમાં 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે.સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે,આગામી મહિનાઓમાં 40 લાખ શરણાર્થીઓને મદદની જરૂર પડી શકે છે અને દેશની અંદર 1.2 કરોડ વધુ શરણાર્થીઓને મદદની જરૂર પડશે.
આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયના અભિયોજક (પ્રોસીક્યુટર) કરીમ ખાને પહેલેથી જ એવી ઘોષણા કરી દીધી હતી કે,તેઓ રશિયાના આક્રમણ બાદ યુક્રેનની સ્થિતિ પર તપાસ શરૂ કરી રહ્યા છે.ખાને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે,’હું એ વાતથી સંતુષ્ટ છું કે,એવું માનવાનો ઉચિત આધાર છે કે યુક્રેનમાં કથિત યુદ્ધ અપરાધ અને માનવતા વિરૂદ્ધ અપરાધ બંને 2014થી કરવામાં આવ્યા છે.’
રશિયાએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, બહિષ્કારોને અવજ્ઞા ગણાવીને આક્રમક રીતે આગળ વધવા કહ્યું.તેનો ઉદ્દેશ્ય યુક્રેનના રશિયન વક્તાઓનો બચાવ કરવાનો અને નેતૃત્વ પાડી દેવાનો છે.