શહેરમાં આવેલા જાહેર સ્થળો ઉપરાંત મોલ્સ, થિયેટર, નાટય ગૃહ, જિમ સહિતના ઠેકાણે ચાર કે તેનાથી વધુ વ્યક્તિઓને એકત્ર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો, જાહેરનામામાં સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને મુક્તિ આપવામાં આવી
સુરત
ચાઈના બાદ વિશ્વના 165 કરતા વધુ દેશોના બે લાખથી વધુ લોકોને અસર કરનારા કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, કેન્દ્ર સરકાર દવારા તો 22મી માર્ચથી તમામ ઇન્ટરનેશનલ વિમાની સેવા પણ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કોરોનોનો કેર વધુના ફેલાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરી વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેમાં જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશનર આર.પી. બ્રહ્મભટ્ટ દ્વારા સીઆરપીસી 144 મુજબ લાગુ કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તા. 19 માર્ચથી તા. 29 માર્ચ દરમ્યાન શહેરી વિસ્તારમાં આવેલા મોલ-મલ્ટીપ્લેક્ષ, સિનેમા ઘર, નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન કલાસીસ, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો સહિત જાહેર અને ખાનગી સ્થળો કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એક્ઠા થતા હોય તે તમામ સ્થળોને બંધ રાખવા આદેશ આપ્યો છે. જાહેરનામામાં સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને મુક્તિ આપવામાં આવી છે.