અમદાવાદ, તા. 05 માર્ચ 2022 શનિવાર : વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટીની સામે આવેલા વૈભવ લક્ષ્મી મંદિરમાંથી માતાજીના ઘરેણાંની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા પણ દસ દિવસ સુધી આ મામલે કોઇ ફરિયાદ થઈ ન હતી.જોકે શહેર પોલીસે કેટલાક શંકાસ્પદ તત્વોને અટક કરતા અનેક ચોરી અને ચેન સ્નેચિંગના બનાવોની વિગત બહાર આવતા આ મામલે શુક્રવારે ફરિયાદ નોંધાઈ છે.
વસ્ત્રાપુરના ગોયલ ઇન્ટરસિટી પાસેના વૈભવ લક્ષ્મી મંદિરમાં ગત તા.22-2-2022ના મોડી રાત્રીના તસ્કરો પ્રવેશ્યા હતા.ચોરોએ મંદિરની લોખંડની જાળી તેમજ બહારની દીવાલની જાળી એમ બે લોક તોડી માતાજીની મૂર્તિની પાછળ મુકેલી ચાંદીની પાયલ,સોનાના ગ્લેટનો ગળાનો સેટ,માતાજીના બે છત્ર,એક ચાંદીનો વેઢ સહિતના દાગીના ચોરી લીધા હતા.
બનાવ અંગે મંદિરના પૂજારીને સેવકે ફોન કરી જાણ કરી હતી.તેઓએ સ્થળ પર પહોંચી તપાસ કરતા ઉપરોક્ત દાગીના ચોરી થયાની વિગત મળી હતી.મંદિરના ટ્રસ્ટીઓ અને અન્ય મહારાજો સાથે ચર્ચા વિચારણા અંતે ફરિયાદ કરતા મોડું થયાનો બચાવ ફરિયાદી પૂજારીએ કર્યો છે.
ઘાટલોડિયા,મેમનગર,સેટેલાઇટ, સાયન્સ સીટી અને વસ્ત્રાપુર અને અમદાવાદ શહેરના લાખો લોકોની આસ્થા વૈભવ લક્ષ્મી મંદિર અને તેની ઉપરના માળે આવેલી શ્રીનાથજીની હવેલી સાથે જોડાયેલી છે.જેના પગલે આ મામલે ફરિયાદ કરવામાં આવી ન હતી.
શહેર પોલીસની એક ટીમે તાજેતરમાં ચોરી,લૂંટ અને વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા કેટલાક તત્વોને અટક કરી પૂછપરછ કરતા વૈભવ લક્ષ્મી મંદિરની ચોરી સહિત અનેક બનાવોનો ભેદ ખુલવા પામ્યો હોવાથી રૂ.29,500ની મત્તાના માતાજીના દાગીનાની ચોરીની ફરિયાદ પૂજારી પુરવ પંડિત દ્વારા કરવામાં આવ્યાની ચર્ચા લોકોમાં છે.