પૂર્વીય યુક્રેનમાં સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા ૧૩ ફ્લાઈટમાં ૨,૫૦૦ને ભારત લવાયા

182

નવી દિલ્હી, તા.૬ : યુદ્ધગ્રસ્ત યુક્રેનના ઉત્તર-પૂર્વીય શહેર સુમીમાં ફસાયેલા ૭૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે,પરંતુ રશિયાના સતત હુમલાના કારણે કામગીરીમાં અવરોધો ઊભા થયા છે.બીજીબાજુ હંગેરીમાં ભારતીય દૂતાવાસે ઓપરેશન ગંગાનો સોમવારે અંતિમ તબક્કો હોવાની ટ્વિટ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતમાં તેમના માતા-પિતામાં વ્યાકુળતા વધી ગઈ છે.
વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે,રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી ૨૬મી ફેબુ્રઆરીથી શરૃ થયેલા ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૭૬ ફ્લાઈટ્સમાં ૧૫,૯૨૦ ભારતીયોને સ્વદેશ પરત લવાયા છે.જોકે, યુક્રેનના ઉત્તર-પૂર્વીય સુમીમાં ફસાયેલા ભારતીયોને સલામત બહાર કાઢવાના સંદર્ભમાં સૂત્રોએ જણાવ્યું હતું કે,ભારતના વારંવારના પ્રયાસો છતાં ‘માનવ કોરિડોર’ રચવા અંગે યુક્રેન અને રશિયા તરફથી કોઈ સંકેતો મળ્યા નથી.

રશિયાના નેશનલ સેન્ટર ફોર સ્ટેટ ડિફેન્સ કંટ્રોલના વડા કર્નલ જન.મિખાઈલ મિઝિન્ત્સેવે દાવો કર્યો હતો કે,ખારકીવ અને સુમીમાં માનવ કોરીડોર ખોલવાની રશિયાની દરખાસ્ત યુક્રેને ફગાવી દીધી છે.વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં યુક્રેનના પશ્ચિમી પડોશી દેશોમાંથી ૧૩ ફ્લાઈટ્સમાં ૨,૫૦૦થી વધુ ભારતીયોને સ્વદેશ લવાયા છે.આગામી ૨૪ કલાકમાં હંગેરી,રોમાનિયા અને પોલેન્ડમાં સાત ફ્લાઈટ્સમાં ભારતીયોને લવાશે.
વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે,યુક્રેન સંકટના સંદર્ભમાં ભારતે સૌપ્રથમ વખત ભારતીયોને બહાર નીકળવા એડવાઈઝરી જાહેર કર્યા પછી ૨૧,૦૦૦ ભારતીયોને યુક્રેનમાંથી બહાર કઢાયા છે. દરમિયાન કીવમાં રશિયન ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સલામત રીતે યુક્રેનમાંથી બહાર કાઢી લેવાયો છે અને તે સોમવારે ભારત પરત ફરશે.
દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે ખારકીવમાંથી બધા જ ભારતીયોને બહાર કાઢી લેવાયા છે.જોકે,સુમીમાં હજુ પણ સેંકડો ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે. સરકાર તેમને બહાર કાઢવા અનેક વિકલ્પો પર વિચારણા કરી રહી છે. જોકે,વિદ્યાર્થીઓ સલામત જગ્યાએ છે.સરકાર હજુ ૧૧મી માર્ચ સુધી ઓપરેશન ગંગા ચલાવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Share Now