ન્યાયપાલિકાની આઝાદીને એક ચોક્કસ લોબીથી ખતરો છે, વાંચો પૂર્વ CJI ગોગોઈનુ સ્ફોટક નિવેદન

285

નવી દિલ્હી, તા.20 માર્ચ 2020, શુક્રવાર

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષોએ તેમનો વિરોધ કર્યો હતો.

જોકે હવે રંજન ગોગોઈએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ગોગોઈએ ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ન્યાયપાલિકાને ખરેખર તો પાંચ-છ લોકોની એક ચોક્કસ લોબીથી આઝાદી અપાવવાની જરુર છે. તેમણે એક રીતે જજોને બંધક બનાવી લીધા છે.

ગોગોઈએ આગળ કહ્યુ હતુ કે, આ લોબી જો કોઈ કેસમાં તેમની મરજી પ્રમાણે કોઈ જજ ચુકાદો ના આપે તો તે જજને બદનામ કરવાના તમામ પ્રયાસો કરે છે. હું એ જજો માટે ચિંતિત છું જે આ લોબી સાથે કોઈ પંગો લેવા માંગતા નથી અને શાંતિથી રીટાયર થવા માંગે છે.

અયોધ્યા અને રાફેલના ચુકાદાના કારણે તેમને રાજ્યસભા પદ ઈનામમાં મળ્યુ છે તેવા આક્ષેપો અંગે ગોગોઈએ કહ્યુ હતુ કે, મને એટલે બદનામ કરાઈ રહ્યો છે કારણકે હું એ લોબી સામે ઝુક્યો નથી. જો કોઈ જજ આ લોબીથી ડરીને ચુકાદો આપે તો હું કહીશ કે તે જજ તરીકે લીધેલા શપથ પ્રત્યે ઈમાનદાર નથી. મારા અંતરાત્માએ જે કહ્યુ તે પ્રમાણે મેં ચુકાદો આપ્યો હતો.

ગોગોઈએ કહ્યુ હતુ કે, અયોધ્યાનો ચુકાદો પાંચ જજોની બેન્ચે સર્વ સંમતિથી આપ્યો હતો. આ જ રીતે રાફેલ વિમાનનો ચુકાદો પણ 3 જજોનો સર્વ સંમતિથી અપાયેલો ચુકાદો હતો. જે લોકો મારા રાજ્યસભાના સભ્ય પદ સવાલ ઉઠાવી રહ્યા છે તે લોકો શું આ ચુકાદાઓમાં સામેલ બાકીના જજોની ઈમાનદારી પર આંગળી નથી ઉઠાવી રહ્યા

ગોગોઈએ કહ્યુ હતુ કે, તત્કાલીન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના સમયે કેસોને અલગ-અલગ બેન્ચોમાં વહેંચવાની પધ્ધતિ પર જ્યારે મેં ચાર જજો સાથે પ્રેસ કોન્ફન્સ કરી ત્યારે ન્યાયપાલિક પર પકડ જમાવનાર લોબીનો હું લાડકો બની ગયો હતો. આ લોબી ઈચ્છતી હતી કે, જજો કેસોનો ચુકાદો તેમના હિસાબે કરે. પણ મેં એ જ કર્યુ જે મને સાચુ લાગ્યુ.

તેમણે કહ્યુ હતુ કે, લોબી દ્વારા ઝેર ઓકવાના કારણે અને બદનામ થવાના ડરથી તમામ જજ આ લોબી સામે ચૂપ રહે છે. હું આજે ચૂપ નહી રહી શકું.જો કોઈ પૂર્વ ચીફ જસ્ટિસને કોઈ ચુકાદા માટે ઈનામ જ જોઈતુ હોય તો તે મલાઈદાર પોસ્ટ પણ માંગી શકાત. શું કામ કોઈ પૂર્વ ચીફ જસ્ટિસ રાજ્યસભામાં જવાનુ પસંદ કરે જ્યાં તેને એ જ સુવિધા મળે છે જે રિટાયર ચીફ જસ્ટિસને મળે છે.

ગોગોઈએ કહ્યુ હતુ કે, મેં નક્કી કર્યુ છે કે, જો મંજૂરી મળશે તો હું રાજ્યસભાના સાંસદ તરીકે કોઈ વેતન નહી લઉં અને તે વેતન નાના શહેરોની લો કોલેજોની લાઈબ્રેરીઓને આપી દઈશ.

રાફેલ ચુકાદા અંગે તેમણે કહ્યુ હતુ કે, રાફેલ ડીલનો મામલો કોઈ રોડના બાંધકામ સાથે જોડાયેલા મામલા જેટલો સામાન્ય નહોતો. રાફેલ જેવા મામલામાં પારદર્શિતા માટે શું વિમાનો પર લગાવાયેલા સંવેદનશીલ ઉપકરણોની માહિતી જાહેર કરી દેવી યોગ્ય હોત?એટલા માટે જ સરકાર પાસે સીલબંધ રિપોર્ટ માંગ્યો હતો. જેનો લોબીએ વિરોધ કર્યો હતો પણ આજ લોબી ટુ જી સ્પેક્ટ્રમ ગોટાળાના કેસમાં સીલબંધ રિપોર્ટ સુપ્રીમ કોર્ટે માંગ્યો ત્યારે ચૂપ હતી. શાહીનબાગ અંગે પણ સીલબંધ રીપોર્ટ સોંપાયો તો લોબીને વાંધો કેમ નથી?

રાજયસભા નોમિનેશન અંગે તેમણે કહ્યુ હતુ કે, આ પ્રસ્તાવ એવા વ્યક્તિ પાસેથી આવ્યો હતો કે, જે સરકાર સાથે કે ન્યાયપાલિકા સાથે સંકળાયેલા નથી.રાષ્ટ્રપતિ અલગ અલગ ક્ષેત્રમાં યોગદાન આપનારા લોકોને નોમિનેટ કરે છે તો શું 20 વર્ષ સુધી જજ તરીકે સેવા આપનાર કોઈ વ્યક્તિ આ માટે લાયક નથી?આ પદ સ્વીકારવાથી કેવી રીતે ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે સમાધાન થઈ ગયુ?

Share Now