બુલંદશહર, તા. 07 માર્ચ, 2022, સોમવાર : ઉત્તર પ્રદેશના બુલંદશહર ખાતે આવેલી રાજકીય પોલિટેક્નિક કોલેજમાં થયેલા જોરદાર સિલિન્ડર બ્લાસ્ટમાં 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15 લોકોને ઝાળ લાગી છે. પોલિટેક્નિક કોલેજની હોસ્ટેલના કિચનમાં ગેસ સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ થવાના કારણે સમગ્ર કોલેજ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.
પ્રત્યક્ષદર્શિયોના કહેવા પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે,આસપાસના આશરે 2 કિમીના ક્ષેત્રો સુધી તેનો અવાજ સંભળાયો હતો.આ ભીષણ દુર્ઘટનામાં 13 વિદ્યાર્થીઓ અને 2 રસોઈયાઓ આગની લપેટોનો ભોગ બન્યા હતા.તે પૈકીના 2 લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક હોવાનું સામે આવ્યું છે.દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ વિદ્યાર્થીઓને અલીગઢ સ્થિત મેડિકલ સેન્ટરમાં ભર્તી કરવામાં આવ્યા છે.વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી ગઈ હતી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી.
બુલંદશહરના ડિબાઈ થાણા ક્ષેત્ર સ્થિત રાજકીય પોલિટેકનિક કોલેજ ખાતે આ ઘટના બની હતી.સવારના સમયે ભોજન બનાવતી વખતે 5 કિગ્રા વજનવાળા એક સિલિન્ડરમાં આગ લાગી ગઈ હતી અને જોરદાર ધમાકા સાથે સિલિન્ડર ફાટ્યું હતું.