– રશિયાના હુમલાના લીધે સાઇબર હુમલાની સંભાવના વધી યુદ્ધ વધારે તીવ્ર બને તો આગામી સમયમાં રશિયા યુક્રેન અને તેના સહયોગી દેશોને ત્યાં સાઇબર હુમલો કરી શકે છે
સિલ્વર સ્પ્રિંગઃ ગૂગલે સાઇબર સિક્યોરિટી મજબૂત બનાવવા સાઇબર સિક્યોરિટી ફર્મ મેન્ડિયન્ટને ૫.૪ અબજ ડોલરમાં ખરીદી.રશિયાએ યુક્રેનમાં હુમલો કર્યા પછી જે રીતે સમર્થકો અને વિરોધીઓએ એકબીજા ઉપર સાઇબર હુમલા કર્યા તેના સંદર્ભમાં આ સોદાને જુએ છે.વિશ્લેષકો અને સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂરાજકીય તનાવ વધતા તેઓને રશિયા અને અન્ય દેશોમાંથી સાઇબર હુમલામાં વધારો થશે તેવો અંદેશો હતો અને આ સંભાવના હકીકતમાં પરિણમી છે.
વેડબુશના વિશ્લેષક ડાન ઇવ્સે મંગળવારે લખ્યું હતું કે યુક્રેનમાં રશિયાએ ઘૂસણખોરી કરી ત્યારે સાઇબર સિક્યોરિટી સેક્ટર ઊંઘતું ઝડપાયું હતું.રશિયા અને તેના સમર્થકોએ રાષ્ટ્રવ્યાપી હુમલા કર્યા હતા.અમે માનીએ છીએ કે આજે જે ડીલ થયું તે હિમશિલાની ટોચ સમાન છે અને ક્લાઉડ સ્પેસમાં મોટાપાયા પર કોન્સોલિડેશન જોવા મળી શકે છે.
ગૂગલની પેટા કંપની માઉન્ટ વ્યુ,કેલિફોર્નિયા સ્થિત આલ્ફાબેટ ઇન્કોર્પોરેશન મેન્ડિયન્ટને પ્રતિ શેર માટે ૨૩ ડોલરની ચૂકવણી કરશે.પૂરેપૂરો રોકડમાં થનારો આ સોદો વર્ષના અંતે પૂરો થશે.મેન્ડિયન્ટના શેરનો સૂચિત ભાવ તેના ફેબ્રુઆરીના શેરના ભાવ કરતાં 57 ટકા પ્રીમિયમે છે.તે સમયે બંને કંપનીઓ વચ્ચેના ડીલની અટકળો સૌપ્રથમ વખત સપાટી પર આવી હતી.
મેન્ડિયન્ટ વર્જિનિયામાં રેસ્ટોન ખાતે સ્થિત છે.આ સોદો પૂરો થતા તેના ૫,૩૦૦ કર્મચારીઓ ગૂગલ ક્લાઉડ સાથે જોડાશે.ગૂગલ ક્લાઉડના સીઇઓ થોમસ કુરિયને જણાવ્યું હતું કે મેન્ડિયન્ટ બ્રાન્ડ અતુલનીય છે. સતત બદલાતા જતા વાતાવરણમાં તેણે પોતાને સલામત બનાવી છે.અહીં તેને એન્ડ-ટુ-એન્ડ સિક્યોરિટી ઓપરેશન્સ પૂરા પાડવાની તક મળશે.તે વિશ્વના શ્રેષ્ઠ કન્સલ્ટિંગ એકમોમાં એક છે.
રશિયા પર આમ પણ ઓનલાઇન હુમલા દ્વારા અન્ય સરકારો અને ધંધાર્થીઓના કારોબારમાં અવરોધ સર્જવાના આરોપ લાગતા રહ્યા છે.પશ્ચિમી અધિકારીઓએ ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનના સહયોગી દેશો પર વધુને વધુ પ્રમાણમાં સાઇબર હુમલા કરી શકે છે.બાઇડેન વહીવટીતંત્રના સાઇબર અને ઇમર્જિંગ ટેકનોલોજીસના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર એન ન્યુબર્ગરે જણાવ્યું હતું કે અમેરિકાને ટાર્ગેટ બનાવવામાં આવશે તેવી કોઈ સૂચના મળી નથી,પરંતુ ચિંતા તો ઊભી જ છે.બેન્કિંગ કાર્યપ્રણાલિ સાઇબર હુમલાનો પ્રતિકાર કરી શકે તેટલી સક્ષમ નથી.