– ‘પંજાબના પરિણામો પછી સિદ્ધુએ કપિલ શર્માને ફોન જોડયો’
– ‘આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને પરવાનગી મળી ચૂકી છે,રાહુલ માટે બ્રેક લેવાની આ સારી તક છે’: ટ્વિટરમાં હેશટેગ રાહુલ ગાંધી ટોપ ટ્રેન્ડ
નવી દિલ્હી : પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદ સોશિયલ મીડિયામાં કોંગ્રેસ,રાહુલ ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુના સૌથી વધુ મીમ્સ બન્યા હતા.ટ્વિટરમાં હેશટેગ રાહુલ ગાંધી ટોપ ટ્રેન્ડ થયું હતું. લોકોએ રાહુલ ગાંધીને વિદેશ જઈને બ્રેક લેવાની સલાહ આપી હતી. તો સિદ્ધુને કપિલ શર્માનો શો ફરીથી જોઈન કરવાની ભલામણ પણ થઈ હતી.
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનું ધોવાણ થયું હતું. એ પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વીડિયોઝ અને મીમ્સ વાયરલ થયા હતા.ફિલ્મમેકર મનિષ મુંદ્રાએ લખ્યું હતું : ચૂંટણીનો મેસેજ સ્પષ્ટ અને જોરદાર છે.કોંગ્રેસે ગાંધી પરિવારને છોડીને આગળ વધવાનો સમય આવી ગયો છે.નહીંતર પાર્ટી ખતમ થઈ જશે.
એક અન્ય યુઝરે લખ્યું: આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ થઈ ચૂકી છે.રાહુલ ગાંધી માટે વિદેશ જવાનો આ શ્રેષ્ઠ સમય છે.તેમણે બ્રેક લઈ લેવો જોઈએ. લેખક આનંદ રંગનાથને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ટ્વિટ કરી હતી: યાત્રી રાહુલ ગાંધી ધ્યાન દે,થાઈ એરવેઝ કી દિલ્હી સે બેંગકોક ઉડાન ભરને વાલી ફ્લાઈટ ઉડાન કે લીયે તૈયાર હૈ.આપ સે અનુરોધ હૈ કી આપ સુરક્ષા જાંચ કર કે આ જાઈએ..
પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ઉપર પણ મીમ્સનો વરસાદ વરસ્યો હતો. ટ્વિટરમાં લોકોએ લખ્યું હતું કે પંજાબના ચૂંટણી પરિણામો પછી નવજોત સિંહ સિદ્ધુએ કપિલ શર્માને ફોન કર્યો છે.અર્ચના પૂરણસિંહે ખાસ ધ્યાન આપવું.
એક યુઝરે લખ્યું કે 14 વર્ષ પહેલાં ભગવંત માન ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં સ્પર્ધક હતા અને સિદ્ધુ સામે ઉભા રહીને પર્ફોમ કરતા હતા,આજે એ જ ભગવંત માન સીએમપદના ઉમેદવાર બન્યા છે અને સિદ્ધુએ એની સામે હાર સ્વીકારવી પડી છે.