12મી માર્ચ, 2022 શનિવાર અમદાવાદ : ભારત વુમન્સ ટીમ હાલ ICC Women World Cup 2022માં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે.આજે ભારતની મેચ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે હતી.બે ખેલાડીઓની સદીના જોરે ભારતે આ મેચ પોતાના નામે કરી છે પરંતુ કેપ્ટન મિતાલી રાજે પણ આજે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે.
ઈવેન્ટની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સુકાનીપદ સંભાળતા જ સૌથી વધુ મેચમાં કેપ્ટન્સીનો એક નવો રેકોર્ડ મિતાલીએ પોતાના નામે કર્યો છે.વાસ્તવમાં મિતાલીએ વિશ્વ કપની સૌથી વધુ મેચોમાં સુકાની તરીકે પોતાનું નામ બનાવ્યું છે.તેણે ભારત માટે 24 વર્લ્ડ કપ મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.
ભારતની ODI સુકાની મિતાલી રાજે શનિવારે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બેલિન્ડા ક્લાર્કને પાછળ છોડીને ICC મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોની કેપ્ટનશિપનો રેકોર્ડ તોડ્યો છે. 39 વર્ષીય મિતાલીએ વિશ્વકપની 24 મેચમાં દેશનું નેતૃત્વ કર્યું છે,જેમાં 14માં જીત,8 મેચમાં હાર અને એક મેચ અપરિણમિત રહી હતી.ક્લાર્કે 23 મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું હતું.બીસીસીઆઈએ પણ આ પ્રસંગે મિતાલીને શુભેચ્છા પાઠવી છે.
રસપ્રદ વાત એ પણ છે કે મિતાલી અને ક્લાર્ક એકમાત્ર એવા બે ક્રિકેટર છે જેમણે બેથી વધુ વર્લ્ડ કપમાં પોતાના દેશનું નેતૃત્વ કર્યું છે.ગયા રવિવારે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર અને પાકિસ્તાની મહાન ખેલાદી જાવેદ મિયાંદાદ સાથે જોડાઈને મિતાલી છ વર્લ્ડ કપમાં ભાગ લેનારી માત્ર ત્રીજી ક્રિકેટર અને પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી.
કોણ છે મિતાલી રાજ ? કરિયર પર એક નજર :
મિતાલી રાજે 26 જૂન, 1999ના રોજ ભારત માટે પ્રથમ ડેબ્યૂ મેચ રમી હતી.તેણે પોતાની પ્રથમ વનડે મેચ આયર્લેન્ડ સામે રમી હતી.તેના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે કુલ 227 ODI મેચ રમી છે જેમાં કુલ 7663 રન ફટકાર્યા છે.મિતાલીના નામે 7 સદી અને 62 અડધી સદીનો રેકોર્ડ પણ છે.
શનિવારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતી છે.વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતે બે મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતની ટીમમાં હાલમાં બે સૌથી અનુભવી ખેલાડી રમી રહ્યા છે. ઝુલન ગોસ્વામી અને મિતાલી રાજ.આ અગાઉની ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ ઝુલન ગોસ્વામીએ પોતાના નામે કર્યો છે.