નવી દિલ્હી, તા. 13. માર્ચ. 2022 રવિવાર : દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા ઉન્નાવ રેપ કેસની પીડિતાની માતાને કોંગ્રેસની ટિકિટ પ્રિયંકા ગાંધીએ આપી હતી.
આ ઉમેદવારને ચૂંટણીમાં નોટા જેટલા જ એટલે માત્ર 1500 મત મળ્યા છે.એ પછી જેમના પર રેપનો આરોપ હતો તે ઉન્નાવના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુત્રી ઐશ્વર્યાએ પ્રિયંકા ગાંધી પર પ્રહારો કરતા કહ્યુ છે કે,આ આખો મામલો પૂર્વયોજિત હતો.જૂઠ્ઠાણાનો મહેલ બનાવવામાં આવ્યો હતો.
ધારાસભ્યની પુત્રીના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કદાચ જાણતા નથી કે સત્ય હંમેશા સામે આવતુ હોય છે અને ઉન્નાવકાંડનુ સત્ય પણ સામે આવીને રહેશે.તમે ગુનાઈત પ્રવૃત્તિ કરનાર ઉમેદવારને ટિકટ આપી હતી.જેને 1500 જ મત મળ્યા છે.ઉન્નાવની તમામ 6 બેઠકો પર કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે,રેપ પીડિતાની માતા આશા સિંહને કોંગ્રેસે ટિકિટ આપી હતી પણ તે ભાજપના પંકજ ગુપ્તા સામે હારી ગઈ હતી.ઐશ્વર્યા સેંગરે વીડિયો જાહેર કરીને તે સમયે પણ કહ્યુ હતુ કે,રાજકીય ફાયદા માટે આ નિર્ણય કરાયો છે પણ સમાજ તેને ક્યારેય માફ નહીં કરે.


