અમદાવાદ, તા. 14 માર્ચ 2022, સોમવાર : પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાનું અવસાન થયું છે.જાન્યુઆરી મહિનામાં તેમની તબિયત અચાનક લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રાખવામાં આવેલા હતા.
ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા.અનિલ જોશીયારા છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા.તેઓ છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈરહ્યા હતા.તેમના અવસાનને લઈ પરિવારમાં અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી છે.
મલ્ટી ઓર્ગન ફેલ થવાથી નિધન થયું
ભિલોડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે.કોરોના બાદ તેમને સારવાર માટે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા.સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.મલ્ટી ઓર્ગન ફેલ થતા તેમનું અવસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.
તેઓ ચેન્નઈ ખાતે સારવાર લઈ રહ્યા હતા અને કોરોના થવાના કારણે તેમની હાલત ખરાબ થઈ હતી. 69 વર્ષીય ડો.જોશીયારા ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા.


