તાપી જિલ્લામાં કોરોના વાયરસ સામે તકેદારી, સલામતી અને સાવચેતી માટે જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે જણાવ્યું કે,તાપી જિલ્લામાં વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર અને સંબધિત વિભાગો દ્વારા કોરોનાને અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન કરવા કરાવવામાં આવી રહયું છે.
કોરોનાને અટકાવવાની સાવચેતીના માટે કેન્દ્ર/રાજય સરકારની માર્ગદર્શિકાનો ચુસ્ત અમલ કરવા જણાવી નાગરિકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી દુર રહેવા તથા સરકાર દ્વારા મુદ્રિત અને વિજાણુ માધ્યમો દ્વારા સાવચેતીના જે ઉપાયોની અધિકૃત્ત જાણકારી આપવામાં આવે છે તે મુજબ યોગ્ય તકેદારી લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય આરોગ્યતંત્ર દ્વારા અટકાયતી તકેદારીઓનો સઘન અમલ કરવામાં આવી રહયો છે. સાવચેતીના પગલારૂપે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આઇસોલેશન વોર્ડ, લોજીસ્ટીક્સ અને તબીબી સેવાઓને સુસજ્જ કરવામાં આવી છે. તબીબો અને પેરામેડિકલ સ્ટાફને જરૂરી તાલીમ અને સેન્સેટાઇઝેશન કરવામાં આવી રહયું છે. જાહેરમાં થૂંકવાની મનાઇનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યુ છે. આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાયદાકીય જોગવાઇ પ્રમાણે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં તમામ કચેરીઓમાં, જાહેર સ્થળોએ સફાઇની બાબતમાં ચુસ્તપણે અમલ કરવાની જવાબદારી સોપી રોજે રોજનો રીપોર્ટ લાઇઝન અધિકારીઓને સોંપવા સુચના આપી ડીડીઓશ્રી સતત નિગરાની રાખી રહ્યા છે.
પ્રવાસીઓ જેમાં રોકાણ કરે છે તેવી હોટલ્સને સંબંધિત ઍડવાઇઝરીનું ચૂસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. મેળાઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમિનાર સહિત સમૂહ ઍકત્રિત થાય તેવા કાર્યક્રમો ન યોજવા વિભાગોને જણાવવામાં આવ્યું છે અને ખાનગી સંસ્થાઓ, મંડળો ઇત્યાદિ દ્વારા તેનું પાલન કરાય તે જોવા સલંગ્ન અધિકારીઓને સુચના આપી હતી.
માસ્ક અને સેનેટાઇઝર્સનો સમાવેશ પ્રાઇઝ અને સ્ટોક કંટ્રોલ રિજિમ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ કરવામાં આવ્યો છે. તેનો વધુ ભાવ લેવો, સંગ્રહ કરવો કે ગુણવત્તામાં બાંધછોડ કરવી ઍ ગુનાહિત છે, પુરવઠા, ખોરાક અને ઔષધ વિભાગ અને આરોગ્યતંત્ર દ્વારા આ બાબતમાં સંકલિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઍસ.ટી.તંત્રને પણ બસમથકો ખાતે જનરલ હેલ્થ ગાઇડલાઇન્સ પ્રમાણે વ્યવસ્થાઓ રાખવા જણાવવામાં આવ્યું છે. પાણી અને સાબુથી વારંવાર હાથ ધોવા અને તે જ્યાં ઉપલબ્ધ ન હોય તો વિકલ્પ તરીકે સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તે હિતાવહ છે. નાના મોટા ધાર્મિક મેળાવડા ન યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે તે જરૂરી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા લેવામાં આવી રહેલ પગલાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. સમીક્ષા બેઠકમાં બેઠકમાં પ્રાંત અધિકારી હિતેશ જોશી સહિત સબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.