રાજ્યમાં હીટવેવની આગાહી, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે

454

ગુજરાત, તા. 14 માર્ચ 2022, સોમવાર : રાજ્યમાં ઉનાળો શરૂ થવાની અણીએ છે.સૂરજ દાદાના કિરણોનો પ્રકોપ ધીરે ધીરે લોકોને દઝાડી રહ્યો છે.હોળી પહેલાં જ હવે ગરમ પવન લોકોને પરેશાન કરવાં લાગ્યો છે.ઉનાળો રાજ્યમાં આકરો બનતો જોવા મળી રહ્યો છે.આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી અમદાવાદ સુરત ડીસા અને સૌરાષ્ટ્રનાં કચ્છ ભુજમાં (Saurashtra Kutch) હીટ વેવ(Heat Wave)ની આગાહી કરવામાં આવી છે.14મી માર્ચથી 17 માર્ચ સુધી ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં હીટવેવનો અનુભવ થશે.

રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.આગામી પાંચ દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે.ખાસ કરીને 14થી 17 માર્ચ દરમિયાન અમદાવાદ,સુરત,ડીસા,ભુજ અને રાજકોટ જેવાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમી એકથી બે ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગીર સોમનાથના વેરાવળના આગામી સાત દિવસના મહત્તમ તાપમાનની વાત કરીએ તો 14 માર્ચે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ત્યારબાદ 15મીએ 39 ડિગ્રી જવાની શક્યતા છે.ત્યારબાદ 16-18 માર્ચે મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહી શકે છે અને 19મી માર્ચે ઘટીને 37 ડિગ્રીએ પહોંચશે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે,અમદાવાદમાં સોમવારથી ગરમીનો પારો ઉંચકાઈ શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળ્યું છે,જેના કારણે,ભુજ,રાજકોટ,સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો.

Share Now