રશિયાએ યુક્રેન યુદ્ધમાં ચીનની લશ્કરી મદદ માગી હોવાનો અમેરિકાનો દાવો

405

– યુદ્ધવિરામ માટે બંને દેશો વચ્ચે ચોથા તબક્કાની વાતચીત થઈ અમારા હવાઈક્ષેત્રનું રક્ષણ કરો નહીંતર તમારા સભ્ય દેશો પર પણ રશિયાની મિસાઈલો પહોંચશેઃ ઝેલેન્સ્કીની નાટોને મદદની અપીલ

રશિયા-યુક્રેન યુદ્ધના ૧૯મા દિવસે બંને દેશોના સામ-સામા હુમલા ચાલુ રહ્યા હતા.રશિયાએ યુક્રેનની એક હોસ્પિટલ ઉપર મિસાઈલ છોડી હતી,જેમાં એક બાળક સહિત ગર્ભવતી મહિલાનું મોત થયું હતું.બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામના હેતુથી ચોથા તબક્કાની વાતચીત પણ શરૃ થઈ હતી.
અમેરિકન અધિકારીઓએ દાવો કર્યો હતો કે રશિયાએ યુક્રેન સામેના યુદ્ધમાં ચીનની લશ્કરી મદદ માગી છે.અમેરિકન અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે પુતિને ધાર્યું હતું એનાથી વધુ સમય યુદ્ધ ચાલ્યું અને ધારણા કરતા રશિયાને વધુ નુકસાન થયું હોવાથી રશિયન પ્રમુખે ચીનની લશ્કરી મદદ માટે પેશકશ કરી છે.અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે પુતિન ફ્રસ્ટ્રેટેડ છે અને ગુસ્સામાં અકળાયેલા છે.પુતિનને આ યુદ્ધ ધારણા કરતા વધુ ભારે પડયું હોવાથી તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.પુતિને માત્ર બે દિવસમાં યુદ્ધ સમેટાઈ જશે એવી ધારણા બાંધી હતી,પરંતુ યુદ્ધમાં રશિયાને ભીંસ પડી ગઈ છે.

જોકે,અમેરિકાના આ દાવાને રશિયા અને ચીને પાયાવિહોણો ગણાવ્યો હતો.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા યુક્રેન-રશિયા યુદ્ધ બાબતે જૂઠાણા ફેલાવે છે.રશિયાએ ચીનની કોઈ જ લશ્કરી મદદ માગી નથી.એવી કોઈ જ પેશકશ ચીન સમક્ષ રજૂ થઈ નથી.આ વાત અમેરિકન અધિકારીઓએ ઘડી કાઢી છે.ચીને દાવો કર્યો હતો કે ચીનની સરકાર રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાઈ તે માટે પ્રયાસો કરે છે.લશ્કરી સહાયના પાયાવિહોણા અહેવાલો નિરાશાજનક છે.રશિયન અધિકારીઓએ પણ અમેરિકાના દાવાને ખોટો ગણાવ્યો હતો.રશિયાએ બીજા એક પણ દેશ પાસેથી લશ્કરી મદદ માગી નથી એવી સ્પષ્ટતા રશિયાએ કરી હતી.
યુદ્ધના ૧૯મા દિવસે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે ચોથા તબક્કાની વાતચીત થઈ હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે વાતચીતનો કોઈ સારો ઉકેલ આવશે તેવી આશા છે.ઈઝરાયેલે પણ બંને દેશો વચ્ચે મધ્યસ્થી શરૃ કરી છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ નાટોને ચેતવણી આપતા કહ્યું હતું કે નાટોનું વાયુદળ યુક્રેનની એરસ્પેસનું રક્ષણ કરે તે જરૃરી છે.જો યુક્રેનનું એરસ્પેસ સુરક્ષિત રહેશે નહીં તો રશિયન મિસાઈલો નાટોના સભ્ય દેશોની સરહદોમાં પણ પહોંચવા લાગશે.એક વીડિયો મેસેજમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે નાટો રશિયા સામે યુક્રેનને મદદ નહીં કરે તો રશિયન મિસાઈલો નાટોના સભ્ય દેશોને નિશાન બનાવશે તે સમય દૂર નથી.
દરમિયાન રશિયાના હુમલામાં એક ગર્ભવતી મહિલા અને તેના બાળકનું મોત થયું હતું.રશિયાની મિસાઈલે એક હોસ્પિટલને નિશાન બનાવી હતી,જેમાં આ બાળક અને માતાનું મોત થયું હતું.રશિયાએ એર ક્રાફ્ટ ફેક્ટરીને નિશાન બનાવી હતી,જેમાં બે કર્મચારીઓના મૃત્યુ થયા હતા.રશિયાના હુમલામાં યુક્રેનના મોટા શહેરો તબાહ થયા હતા.

Share Now